ગાંધીનગર નજીક આવેલા ચીલોડા – દહેગામ સ્ટેટ હાઇવે પર ગત 16 ઓગસ્ટના રોજ સર્જાયેલા ચકચારી અને અનડિટેક્ટ હિટ એન્ડ રનના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં ચીલોડા પોલીસને મોટી સફળતા સાંપડી છે. લેકાવાડા પાટિયાથી મોટા ચીલોડા તરફ જવાના માર્ગ પર આલમપુર ગામના પાટિયા પાસે બનેલા આ ગંભીર અકસ્માતમાં એક અજાણ્યા રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંધારા કેસનો તાગ મેળવવા માટે પોલીસે હાઇવે પર લાગેલા 25થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી તેમજ સઘન ટેકનિકલ સર્વેલન્સના આધારે ફરાર થઈ ગયેલા બાઇકચાલકની ધરપકડ કરી લીધી છે.
પૂરપાટ બાઇકે રાહદારીને ટક્કર મારી, મદદ કરવાને બદલે ચાલક ફરાર થયો
ગત 16 ઓગસ્ટના રોજ ગાંધીનગરના આલમપુર પાટિયા પાસે હાઇવે રોડ પરથી એક અજાણ્યો રાહદારી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલી મોટરસાયકલના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે રાહદારીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જ્યો બાદ બાઇકચાલક ઘાયલ વ્યક્તિને કોઈ તબીબી સારવાર કે મદદ પૂરી પાડ્યા વગર પોતાનું વાહન લઈને ઝડપથી નાસી છૂટ્યો હતો, જે સંદર્ભે ચીલોડા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો હતો.
પીઆઈ ચૌહાણનો ખુલાસો: આરોપી પુત્રને બેસાડી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
આ સમગ્ર મામલે પીઆઈ એસ.જે. ચૌહાણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની હજુ સુધી કોઈ સત્તાવાર ઓળખ થઈ શકી નથી અને પ્રાથમિક દ્રષ્ટિએ તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાય છે. વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી ઘટના સમયે પોતાના નાના પુત્રને બાઇક પર બેસાડીને ગાંધીનગરથી દહેગામ તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન તેણે રાહદારીને અડફેટે લીધો હતો અને માનવતા નેવે મૂકીને અકસ્માત સ્થળેથી પોતાના વાહન સાથે રવાના થઈ ગયો હતો.
25થી વધુ સીસીટીવી અને નેત્રમ કમાન્ડની મદદથી હિલોલના યુવકની ધરપકડ
આ અનડિટેક્ટ ફેટલ અકસ્માતનો ભેદ ઉકેલવા પીએસઆઈ એસ.વી. મુંધવા સહિતની ટીમે લેકાવાડાથી મોટા ચીલોડા વચ્ચે આવેલા BSF કેમ્પ, પેટ્રોલ પંપો, હોટલો તેમજ ગાંધીનગર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના 25થી વધુ CCTVના ફૂટેજ એકઠા કરી તેનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું.
ટેક્નિકલ પૃથ્થકરણ અને સ્થાનિક હ્યુમન સોર્સિસની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દહેગામ તાલુકાના હિલોલ ગામના રહેવાસી 25 વર્ષીય આરોપી બળવંતસિંહ પુંજાજી સોલંકીની ધરપકડ કરી હતી.
પોલીસે અકસ્માતમાં સંડોવાયેલ મોટરસાયકલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
