મહિલાના ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો, પોલીસની નોટિસ મળતાં જ ગભરાઈને ટૂંકાવ્યું જીવન

Spread the love

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં સાયબર ફ્રોડ સાથે જોડાયેલા કેસના નોટિસ બાદ એક મહિલાએ જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. મહિલાને જાણ થઈ હતી કે તેના બેંક ખાતાનો કથિત રીતે મોટા પાયે ઓનલાઈન છેતરપિંડી માટે ઉપયોગ થયો છે અને તેના વિરુદ્ધ દેશનાં અનેક રાજ્યોમાં પોલીસ કેસ નોંધાયેલા છે. આ વાતની જાણ થતાં તે ભારે ડરી ગઈ હતી અને માનસિક તણાવમાં આવી ગઈ હતી.મૃતક મહિલાની ઓળખ 38 વર્ષીય દેવિકા આરમુગમ પંડારમ તરીકે થઈ છે. તે ડોંબિવલી પૂર્વમાં જિમખાના રોડ નજીક સાંગર્લી ગામની સાઈરામ સોસાયટીમાં રહેતી હતી. મહિલાનું બેંક ઓફ મહારાષ્ટ્રની તિલક નગર શાખામાં બેંક ખાતું હતું અને તે તેનો નિયમિત ઉપયોગ કરતી હતી.

 

8 ઓગસ્ટે રાજસ્થાન પોલીસની ટીમ ઘરે પહોંચી

 

મળતી માહિતી પ્રમાણે, 8 ઓગસ્ટના રોજ રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનની સાયબર સેલની ટીમ દેવિકાના ડોંબિવલી સ્થિત ઘરે પહોંચી હતી. પોલીસે તેમને એક નોટિસ આપી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના બેંક ખાતાનો ઉપયોગ ઓનલાઈન માધ્યમથી લોકો સાથે આર્થિક છેતરપિંડી કરવા માટે કરવામાં આવ્યો હતો. આ મામલે રાજસ્થાનના ચુરુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 61(2) અને IT એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. પોલીસે દેવિકાને પૂછપરછ માટે ચુરુ સાયબર પોલીસ સ્ટેશનમાં હાજર થવા પણ જણાવ્યું હતું.

 

‘મેં ખાતાનો ખોટો ઉપયોગ કર્યો નથી તો કેસ કેમ?’

 

પોલીસની નોટિસ મળ્યા બાદ દેવિકા ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તેમને સમજાતું નહોતું કે તેમણે પોતાના બેંક ખાતાનો કોઈ ખોટો ઉપયોગ કર્યો નથી તો પછી તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કેમ થઈ રહી છે. મામલાની સાચી હકીકત જાણવા માટે દેવિકા ઠાણે પોલીસ કમિશનરેટના સાયબર ક્રાઇમ વિભાગમાં પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે તેમના બેંક ખાતાનો ઉપયોગ કરીને અનેક લોકો સાથે મોટા પાયે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદો મળી છે.

 

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કેસ હોવાની માહિતી મળી

 

સાયબર ક્રાઇમ વિભાગમાં દેવિકાને વધુ ચોંકાવનારી માહિતી મળી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમના વિરુદ્ધ માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત અને તમિલનાડુના સાયબર પોલીસ સ્ટેશનોમાં પણ કેસ નોંધાયેલા હતા. આટલા બધા રાજ્યોમાં પોતાના વિરુદ્ધ કેસ હોવાની વાત સાંભળીને દેવિકા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ઘટનાક્રમ બાદ તે ભારે માનસિક દબાણમાં આવી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે મંગળવારે બપોરે આશરે 4 વાગ્યે સાંગર્લી સ્થિત પોતાના ઘરે દેવિકાએ પોતાને ગંભીર ઇજા પહોંચાડી હતી. પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

 

ડોક્ટરે મૃત જાહેર કરી

 

ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તબીબોએ તેમને KDMCની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે, શાસ્ત્રીનગર હોસ્પિટલ પહોંચતા તબીબોએ તપાસ બાદ દેવિકાને મૃત જાહેર કરી હતી.

 

પોલીસે શરૂ કરી તપાસ

 

વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંદીપન શિંદેના માર્ગદર્શન હેઠળ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મહિલાના બેંક ખાતાનો વાસ્તવમાં કેવી રીતે અને કોના દ્વારા ઉપયોગ થયો હતો, સાયબર ઠગાઈના કેસ સાથે તેમનું જોડાણ શું હતું અને સમગ્ર ઘટનાક્રમમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *