તલોદના મજરા રોડ પર શનિવારે સવારે કારચાલકે રાહદારી શ્રમિક પરિવારને ટક્કર મારતાં બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે શુક્રવારે રાત્રે હિંમતનગરના ઓવરબ્રિજ પર ટ્રકટ્રેલર પાછળ ટેમ્પો ટ્રાવેલર ઘૂસી જતાં એકનું મોત નિપજ્યું હતું તથા ૮ને ઈજાઓ પહોંચી હતી.
પ્રાંતિજ : પ્રાંતિજના તલોદ-મજરા રોડ પર ગંડેરી સૂરજ બા ફાર્મ પાસે શનિવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે એક ગરીબ પરિવાર ખેત મજૂરી અર્થે ચાલતો જઇ રહ્યો હતો.
દરમિયાન તલોદ તરફથી પૂરઝડપે આવેલી કારના ચાલકે ત્રણ જણાને ટક્કર મારી દેતાં તેઓ રોડ ઉપર પટકાયાં હતાં. આ ઘટનામાં હિતેષ બાલાજી સોલંકી (ઉ.વ.૧૪, રહે.ચેખલા પગી) તથા હિતેષના એક વર્ષના ભાણાનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે અનિતાબેન વિજયભાઇ સોલંકી (ઉ.વ.૨૦, રહે.નવાનગર)ને ગંભીર ઇજાઓ થતાં પ્રાંતિજ સિવિલ બાદ વધુ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા. બાલાજી ઉમેદજી સોલંકીની ફરિયાદ આધારે પ્રાંતિજ પોલીસે કારચાલક મદનસિંહ દિલુસિંહ રાઠોડ (રહે.દાદરડા) સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ વધું તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, કારચાલક મદનસિંહ રાઠોડ નિવૃત્ત આર્મીમેન છે અને તેમની કારમાં દારૂ જેવું પીણું ભરેલી બોટલ મળી આવી હોઈ અકસ્માત સમયે તેઓ દારૂના નશામાં કાર ચલાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હિંમતનગર: હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજ પરથી શુક્રવારે રાત્રે પસાર થઈ રહેલા ટેમ્પો ટ્રાવેલર તથા ટ્રક ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને આઠને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે તથા સિવિલમાં જઈને કાર્યવાહી હાથ ધરી હતી. હાંસલપુરના પૂર્વ સરપંચ બ્રિજેશ પટેલના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીના ડીલર કૃતાર્થ પટેલે તેમના સેલ્સમેનો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઠવ્યો હતો. જેઓ ટેમ્પો ટ્રાવેલરમાં જતા હતા ત્યારે ઓવરબ્રિજ પર આગળ જઈ રહેલા ટ્રક ટ્રેલર પાછળ ટ્રાવેલર ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં અંકલેશ વિક્રમભાઈ પટેલ (ઉં.વ.૪૨, હાંસલપુર, તા.હિંમતનગર)નું મોત થયું હતું. જ્યારે વિષ્ણુભાઈ (રહે.જેનપુર, તા.તલોદ), કલ્યાણ મકવાણા (ઉં.વ.૨૫, પ્રાંતિજ), ધર્મેશ વણકર (ઉં.વ.૩૦, પ્રાંતિજ) અને રવિસિંહ ચૌહાણ (ઉં.વ.૩૦, પ્રાંતિજ)ને ઈજા થતાં હિંમતનગર સિવિલમાં લઈ જવાયા હતા.
વસઇ પાસે બાઈક દીવાલ સાથે અથડાતાં યુવકનું મોત
વિજાપુર : વસઇ ગામ પાસે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. વિક્રમસિંહ ભગતસિંહ ચાવડા (ઉં.વ.35) (રહે.કડા, તા.વિસનગર) બાઈક લઈને ઘરેથી ગોઝારિયા તરફ જઈ રહ્યl હતા. દરમિયાન વસઇ ગામે ફૂલબાઈ માતાના મંદિર નજીક આદેશ આશ્રમ પાસે કોઈ કારણોસર તેમણે કાબુ ગુમાવતાં બાઈક દિવાલ સાથે ટકરાયું હતું. કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પીએમ માટે મૃતદેહ વિસનગર ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ અનુપસિંહ ચાવડાની ફરિયાદ આધારે વસાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શામળાજી પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇચાલકનું મોત, એક ગંભીર
ભિલોડા : શામળાજી નેશનલ હાઇવે પર બ્રિજ ચઢતાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. રતનપુરથી શામળાજી તરફ આવી રહેલા બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી દીધી હતી. જેમાં બાઇકચાલક કડવઠ ગામના મુકેશભાઈ ડોડીયારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા તેમના મિત્ર પ્રભુદાસ મંગળાજી ગામેતીને ડાબો હાથ કપાઈ જવા સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકનાં પત્ની વર્ષાબેને ફરિયાદ નોંધાવતાં શામળાજી પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એન.બી.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
વિજયનગરના ઈટાવડી પાસે બાઇકની ટક્કરે રાહદારીનું મોત
હિંમતનગર : વિજયનગર તાલુકાના ઇટાવડી ગામની સીમમાંથી તા.ર૭ ઓગસ્ટે પસાર થઈ રહેલા બાઈકચાલક તન્મય અશ્વિનભાઈ ખરાડીએ ઈટાવડીના લાલજીભાઈ કનાજી પટેલને હડફેટે લઈ ઈજા પહોંચાડતાં તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર મુકેશભાઇ પટેલે બાઈકચાલક તન્મય ખરાડી સામે ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મેશ્વોના પુલ પર અકસ્માતમાં એકનું મોત
હિંમતનગર : તલોદના બડોદરા-જવાનપુરા જતા રોડ પર મેશ્વો નદીના પુલ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બડોદરા ગામના કેશાભાઈ વિહાભાઈ રબારી ગુરુવારે મેશ્વો નદી કિનારે ભેંસો ચરાવવા ગયા હતા. દરમિયાન નદીના પુલ પરથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટે લેતાં ગંભીર ઈજાથી તેમનું મોત નિપજ્યું હતું અને અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. આ બાબતે લક્ષ્મણભાઈ રાવળે તલોદ પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
