આપ જાણો છો કે શૈક્ષણિક સત્ર શરુ થયાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે અને કોરોના મહામારીને કારણે અત્યારે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ પોતાનું શિક્ષણ કાર્ય આગળ વધારવું પડે એવી પરિસ્થિતિ છે.
અમે પ્રાપ્ત કરેલી જાણકારીઓ મુજબ પાઠ્યપુસ્તક વિતરણની પરિસ્થતિ બહુ જ ખરાબ છે. ગુજરાતના અનેક ગામડાઓ, નગરો અને મહાનગરોની શાળાઓમાં હજુ પૂરતા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તો પરિસ્થિતિ બહુ ખરાબ છે.આપ પાર્ટી ના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે આમ તો ગુજરાતનો એક પણ જીલ્લો એવો નથી જ્યાં સંપૂર્ણ પાઠ્યપુસ્તકો આવી ગયા હોય છતાંય અમોએ કરેલી તપાસ મુજબ ઉના, જલાલપોર, પોરબંદર, દાહોદ, ચોટીલા, તાલાળા, સાવરકુંડલા, કલ્યાણપુર, વગેરે તાલુકાની શાળાઓમાં આ સમસ્યા જાેવા મળી છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકોની તો એક પણ પ્રાથમિક શાળાને એક પણ ધોરણ-વિષયના પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થયા નથી.
વળી, આ પાઠ્યપુસ્તકો સ્ટેશનરી તેમજ બુક સ્ટોરમાં પૈસા આપીને સરળતાથી મળી જાય છે. આ વર્ષે બદલાયેલા ધોરણ ૪ ના ગુજરાતી વિષયના અને ધોરણ ૮ ના સામાજીક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો તો એક પણ શાળામાં કે સ્ટેશનરી/બુક સ્ટોરમાં પણ હજુ મળ્યા નથી. અભ્યાસક્રમ બદલાવાનો હોય તો એની પૂર્વતૈયારી તો સરકારે કરવી જાેઈએ કે નહી ?
વળી, પાઠ્યપુસ્તકો વિના શિક્ષકો શેરી-શિક્ષણ કેવી રીતે કરાવે ? એકમ કસોટી નજીક આવી ગઈ છે. જ્ઞાનસેતુના પુસ્તકો પણ હજુ ઘણી શાળાઓને નથી મળ્યા અને મળ્યા છે ત્યાં બહુ જ મોડા મળ્યા છે. વાલીઓના જણાવ્યા અનુસાર પાઠ્યપુસ્તકો દર વર્ષે મોડા જ મળે છે. આ તો બહુ ગંભીર બાબત કહેવાય. પાઠ્યપુસ્તકો વિના કેવી રીતે ભણશે ગુજરાત ? ગુજરાતના વાલીઓ અને શિક્ષકો વતી આમ આદમી પાર્ટી-ગુજરાતે એવી માંગણી કરી છે કે વહેલામાં વહેલી તકે તમામ માધ્યમોની સરકારી તેમજ ગ્રાંટ-ઈન-એઈડ શાળાઓના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે.