કોરોના મહામારીમાં રાજ્ય સરકાર ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટ આપવામાં નિષ્ફળ નિવડી છે જેના લીધે ગુજરાતમાં સામાન્ય-મધ્યમ-ગરીબ વર્ગના અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર માટે ૬૭ તબિબોની કોન્ટ્રાક્ટ પરની ભરતી પ્રક્રિયાની હાસ્યાસ્પદ જાહેરાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વાતો કરતી ભાજપા સરકારની આરોગ્ય નીતિની છેલ્લા બે વર્ષમાં પોલ ખુલ્લી પડી ગઈ છે. ડોક્ટરો નિમાય નહીં અને આઉટ સોર્સીગના નામે શોષણ કરવાની રાજ્ય સરકારની નીતિ છે. રાજ્ય સરકારની જાહેરાત હાંસિપાત્ર એવી શરતો કે આરોગ્ય સેવા સુધરે જ નહીં ડોક્ટર પોતે ‘‘પેરા મેડિકલ સ્ટાફ પોતાના ખર્ચે રાખે અને અર્બન હેલ્થ સેન્ટરમાં જરૂરી તબિબિ તપાસ માટેના સાધનો પણ જે તે નિમણુંક પામતા કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરે પોતાના સ્વખર્ચે લાવવાના રહેશે’’. રાજ્યના મુખ્યમંત્રીના મતવિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર માટે કોન્ટ્રાક્ટ પર ૬૭ મેડિકલ ઓફિસર ભરતી માટેની આવી હાસ્યાસ્પદ જાહેરાત, શું આ રીતે ગુજરાતની આરોગ્ય સેવા સુધરશે ? રાજ્યમાં આરોગ્ય સેવા સુધારવા ડોક્ટરો ઊપલબ્ધ થાય તે માટે ભાજપ સરકાર પાસે નિતિ – નિયત જ નથી. ડોક્ટરોની ભરતી માટેની શરતો જ દર્શાવે છે કે મેડીકલ – પેરામેડીકલ સ્ટાફની ભરતી કરવામાં ભાજપ શાસિત કોર્પોરેશન / સરકારને રસ જ નથી. હોસ્પીટલોમાં બેડ, સારવાર, ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફની મોટા પાયે ઘટ છતાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ સુધરવાનું નામ લેતો નથી. કરોડો રૂપિયાની ખરીદી – ટેન્ડરો – બાંધકામમાં જ આરોગ્ય વિભાગને વિશેષ રસ, પણ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ, મલ્ટીપર્પજ હેલ્થ વર્કરની નિમણુંકો માં સતત ફાઈલો દબાવીને વિલંબ કરતી ભાજપ સરકાર – આરોગ્ય વિભાગ. કોરોના જેવી મહામારીમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ અખત્યાર કરીને ભરતી પ્રક્રિયા હાથ ધરે અને તેમાં પણ આવી હાસ્યાસ્પદ શરતો …. ! ભાજપ શાસનમાં ઉદ્યોગપતિ-ઉદ્યોગગૃહોનું આરોગ્ય સુધર્યુ છે પણ ગુજરાતના સામાન્ય-મધ્યમવર્ગ પરિવારોનું આરોગ્ય કથળ્યું છે. ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ માત્ર ૦.૭૨ ટકા જ ખર્ચ કરે છે. જ્યારે વર્ષ ૨૦૦૦ પહેલા આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો. ભાજપ શાસનના ૨૦ વર્ષમાં રસીકરણ-ટીકાકરણ કાર્યક્રમમાં કવરેજ-ઘટાડો જાેવા મળી રહ્યો છે. તબીબી-જાહેર આરોગ્ય અને કુંટુંબ કલ્યાણ પરના ખર્ચમાં ગુજરાત ૧૪ ક્રમાંકે છે. રાજ્યના સરકારી હોસ્પિટલમાં ૪૬૪૪, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૯૧૬ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૩૪૯૫ જગ્યાઓ જેવી કે, ડૉક્ટર, નર્સીંગ, પેરામેડિકલ કર્મચારીઓની લાંબા સમયથી જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટના નામે કર્મચારીઓને અડધો પગાર ચુકવીને આર્થિક શોષણ બીજી બાજુ એજન્સીઓ કરોડો રૂપિયા ઘરભેગા – ભ્રષ્ટાચાર કરી રહી છે.