મધ્યપ્રદેશના સતના જિલ્લા અને ચિત્રકૂટમાં સતત મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદી સામાન્ય કરતા લગભગ 30 ફૂટ ઉપર વહી રહી છે. ગોર્ગી ડેમ તૂટવાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચિત્રકૂટના રામઘાટ પર આશરે 300 મીટર લાંબો પુલ ધોવાઈ ગયો છે, અને ઘાટ પરની અસંખ્ય દુકાનો ડૂબી ગઈ છે.
ચિત્રકૂટમાં લોકો ફસાયા
ચિત્રકૂટમાં સતી અનસુયા આશ્રમ સહિત અનેક ધાર્મિક સ્થળોએ જવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે.યાત્રાળુઓને ઘાટ અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.
બચાવ કામગીરી અને રેલ સેવાઓ પ્રભાવિત; લોકોને છત પરથી હવામાં ખસેડવામાં આવ્યા
SDRF ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. છત પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ચિત્રકૂટ નજીક બે ટ્રેનને સલામતીના ભાગરુપે રોકી રાખવામાં આવી હતી, કારણ કે રેલવેના પાટા વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા. પાણી ભરાઈ જવાથી મુંબઈ-હાવડા રેલ માર્ગ ઉપર પણ અસર પડી છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ અને ચોમાસાની ટ્રફ લાઇનના પ્રભાવને કારણે રેવા વિભાગમાં વરસાદ વરસતો રહેવાની આગાહી છે. વહીવટીતંત્રન હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. દેશના કેટલાક રાજ્યોના દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આજે ગુજરાત સહીત 26 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
દેશભરમાં ચોમાસાની તીવ્ર પ્રવૃત્તિ વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ફરી એકવાર નવી અને ખૂબ જ ગંભીર ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે, 30 ઓગસ્ટના રોજ ગુજરાત સહીત દેશભરના 26 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
