સ્ટેમ્પ ડ્યુટી સંબંધી કેસમાં રીવીઝન અરજી રેકર્ડ ચકાસ્યા વિના જ નકારી કાઢવા સામે આકરો ઠપકો
અમદાવાદ, તા.31
વહીવટી નિષ્ક્રિયતા, અસંવેદનશીલતા અને તંત્રની પોતાની ભૂલનો ભોગ સામાન્ય નાગરિકોને બનાવવાની માનસિકતા સામે ગુજરાત હાઈકોર્ટે ભારે લાલ આંખ કરી છે. જમીન સુધારણા સચિવ (મહેસૂલ વિભાગ) અને ચીફ ક્નટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી બીજલ શાહ દ્વારા વિલંબના આધારે અરજદારની રિવિઝન અરજી યાંત્રિક રીતે (Mechanical approach) રદ કરી દેવાતા જસ્ટિસ નિરઝર એસ.
દેસાઈએ તેમની ભારે ઝાટકણી કાઢી હતી.
સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અધિકારીના “નિષ્ઠુર અને બેદરકાર’ વલણ પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્રની પોતાની ટપાલ મોકલવાની ઢીલને કારણે નાગરિક દંડાયા હોવાનું સ્પષ્ટ થતાં કોર્ટે અધિકારી સામે પૂર્વ-સૂચિત રૂા.1 લાખનો અંગત દંડ વધારીને રૂા.2 લાખ કેમ ન વસૂલવો તે અંગે સખત શબ્દોમાં સવાલ કર્યા હતા.
વિભાગે ઓર્ડર મોડો મોકલ્યો અને નાગરિકને વિલંબ બદલ દંડ્યા
આ વિવાદની શરૂઆત સુતરીયા સ્વાતિ મિતેશ અને અન્ય એક અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનથી થઈ હતી. અરજદારોએ વડોદરાના ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગ-1) દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ભરવા બાબતે 1 ઓક્ટોબર 2025ના રોજ પસાર કરવામાં આવેલા હુકમને ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 53 હેઠળ રિવિઝન અરજી કરીને 4 એપ્રિલ 2026ના રોજ પડકાર્યો હતો.
પરંતુ, ચીફ ક્નટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી (બીજલ શાહ) દ્વારા 180 દિવસની સમયમર્યાદા 30 માર્ચ 2026ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું કહીને આ અરજી સરસરી રીતે ફગાવી દેવામાં આવી હતી.
અગાઉની સુનાવણી વખતે આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર દ્વારા રજૂ કરાયેલા રેકોર્ડ પરથી ખુલાસો થયો હતો કે, ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પોતે જ આ ઓર્ડર 18 ઓક્ટોબર 2025ના રોજ પોસ્ટ ઓફિસમાં ડિસ્પેચ કર્યો હતો, જે અરજદારોને 21 ઓક્ટોબર 2025ના રોજ મળ્યો હતો. અરજદારોએ પોતાને ઓર્ડર મોડો મળ્યો હોવાની રજૂઆત કરી હોવા છતાં, મહેસૂલ ઓથોરિટીએ ડિસ્પેચની વાસ્તવિક તારીખ ચકાસવાની વ્યવહા તસ્દી લીધી નહોતી.
અધિકારીઓના આવા યાંત્રિક વલણને કારણે નાગરિકોએ અદાલતોના બિનજરૂરી ધક્કા ખાવા પડે છે તે નોંધતા, જસ્ટિસ દેસાઈએ અગાઉ મૂળ ઓર્ડર આપનાર અધિકારી બીજલ એ. શાહને તેમના વ્યક્તિગત ક્ષમતામાં પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ મામલે 31 ઓગસ્ટ 2026ની મુદત આપતાં સરકારી વકીલોની સેવાનો ઉપયોગ કરવા કે તારીખ પે તારીખ માંગવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકી દીધો હતો.
“જ્યારે તમારા પર આવે છે ત્યારે જ બધી દયા યાદ આવે છે?’ : હાઈકોર્ટનો અધિકારીને સણસણતો સવાલ
આજની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નાગરિકોની અરજીઓ ફગાવતા પહેલા કચેરીના મૂળ રેકોર્ડની ચકાસણી ન કરવા બદલ IAS અધિકારી સામે સીધા સવાલોનો મારો ચલાવ્યો હતો.
અધિકારીને સંબોધતા જસ્ટિસ નિર્ઝર દેસાઈએ જણાવ્યું હતુંઃ
“તમારી પાસેથી એક લાખ રૂપિયાનો ખર્ચ કેમ વસૂલ ન કરવો જોઈએ? તમે તમારી કચેરી પાસેથી ખુલાસો પૂછવાની તસ્દી લીધા વિના યાંત્રિક રીતે ઓર્ડર પાસ કરી રહ્યા છો.”
આ તબક્કે અધિકારીએ કહ્યું, “I beg your pardon’ (હું માફી માંગુ છું) અને મૂળ રેકોર્ડ જોઈને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ત્યારે કોર્ટે સવાલ કર્યો કે તમારી પાસેથી રૂા.2 લાખ કેમ ના વસૂલવા? તમારે મને ખુલાસો નથી આપવાનો, રાજ્ય સરકારને જ આપજો.
“આ તમારી બેદરકારીનો પ્રશ્ન છે, આ કોઈ બંધારણીય મુદ્દો નહોતો. તમે તમારી જ નીચલી સત્તાવાળા પાસેથી ફાઇલ પણ ન મંગાવી. વિલંબના આધારે સીધી જ તેમની અરજી રદ કરી દીધી,’ તેમ જસ્ટિસ દેસાઈએ ઉમેર્યું હતું. કોર્ટે સરકારી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓ દ્વારા સામાન્ય અરજદારો પ્રત્યે દર્શાવાતી સંવેદનાહીનતા પર પ્રહાર કરતા કહ્યુંઃ
“તમે તમારી ઓફિસમાં હોવ ત્યારે આ પ્રકારના અરજદારો પ્રત્યે કેટલી વાર દયા દર્શાવી છે? તમે અરજદારો પ્રત્યે કેટલી વાર દયાળુ બન્યા છો? તમે કોર્ટ પાસેથી બધી અપેક્ષાઓ રાખો છો, પણ તમારી જાતને પૂછોઃ તમે કેટલી વાર સમય આપ્યો છે? તમે કેટલી વાર તેમની મુશ્કેલીઓ ધ્યાને લીધી છે? વિલંબ માટે તેમણે આપેલા કારણોને તમે કેટલી વાર નિષ્પક્ષપણે ધ્યાનમાં લીધા છે? મને તમારો જવાબ જોઈએ છે.’
વહીવટી બાબતોમાં સામાન્ય રીતે સમય આપવામાં આવતો હોય છે તેવો બચાવ અધિકારીએ કરવાનો પ્રયાસ કરતા કોર્ટે અરજદારના માત્ર ચાર દિવસના વિલંબ પ્રત્યે દર્શાવેલા બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા હતા
“સામાન્ય રીતે સમય આપો છો, તો આ વખતે કેમ ના આપ્યો? વધુ સમય કેમ જોઈએ છે? તે માત્ર ચાર દિવસ જ મોડો હતો. તમે તેની વિનંતી ધ્યાનમાં લેવા જેટલા દયાળુ નહોતા. જ્યારે તમારા પર આવે છે ત્યારે જ બધી દયા કેમ યાદ આવે છે? જ્યારે તમે સત્તાના પદ પર હોવ છો, ત્યારે તમાં દિલ અલગ હોય છે. તમે મારી પાસે દયાની અપેક્ષા કેમ રાખો છો? જે રીતે તમે અન્ય લોકો સાથે વર્તન કરો છો, હું તમારી સાથે તે જ રીતે વર્તી રહ્યો છું.’વોટ્સએપથી રેકોર્ડ મોકલવા આદેશ, આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે
સરકારી દફતરોમાં ચાલતી બેદરકારી પર આકરા પ્રહારો કરતા જસ્ટિસ દેસાઈએ ભારપૂર્વક કહ્યુંઃ
“જ્યારે તમે ઓફિસમાં હોવ છો ત્યારે અરજદારોને આ પ્રકારની દયા તમે કેટલી વાર બતાવી છે? તમે ચેમ્બરમાં બેસો છો, જ્યારે લોકોને નોટિસ કે ઓર્ડર મોડા મળે છે ત્યારે તેઓ સમય માંગવા અને વિલંબ માફ કરવા વિનંતીઓ કરે છે અને કરગરે છે. તમે આદેશ સમયસર ડિસ્પેચ કર્યો છે કે નહીં તે ચકાસવા માટે ફાઇલ જોવાની પણ તસ્દી લેતા નથી.
તમે આવું કેટલી વાર કર્યું છે? તપાસ કર્યા વગર તમે આદેશ કેમ પસાર કર્યો? સમય આપવાનું કોઈ માન્ય કારણ શું છે? આજે ને આજે બધો રેકોર્ડ વોટ્સએપથી આપી દો. રેકોર્ડ પરથી સાબિત થાય છે કે તમે બેદરકાર અને નિષ્ઠુર છો.’
મૂળ ફાઈલની તપાસ કરવા માટે અધિકારી દ્વારા સમય માંગવામાં આવતાં અંતે હાઈકોર્ટે તેમને એક અઠવાડિયાની મુદત આપી હતી. આ કેસની વધુ સુનાવણી હવે 7 સપ્ટેમ્બર 2026ના રોજ મુકરર કરવામાં આવી છે.
