‘કોર્ટ જ ગેરકાયદે છે’, સિંધુ જળ સંધિ પર ભારતે ચુકાદો ફગાવતા વર્લ્ડ બૅંકની આર્બિટ્રેશન કોર્ટને આપ્યો મોટો ઝટકો!

Spread the love

ભારતે આજે 31 ઑગસ્ટ 2026ના રોજ સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બૅંકની મધ્યસ્થતાવાળી કોર્ટ ઑફ આર્બિટ્રેશન(CoA)ના ચુકાદાને ફગાવી દીધો છે. ભારતે કોર્ટને ગેરકાયદે ગણાવતા કહ્યું કે આ મામલે કોઈ પણ સુનાવણી તેના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે CoA દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓનો ભારતની કાર્યવાહી પર કોઈ પ્રભાવ પડશે નહીં.

 

ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણય યથાવત્ જ રહેશે.

 

CoAનું ગઠન જ સંધિનું ઉલ્લંઘન: MEA

 

વિદેશ મંત્રાલયે કોર્ટ ઓફ આર્બિટ્રેશનને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું છે. ભારતનું કહેવું છે કે વર્લ્ડ બૅંકે સિંધુ જળ સંધિના નિયમોનું ઉલ્લંઘન કરીને આ કોર્ટની રચના કરી હતી, તેથી ભારત તેના કોઈ પણ ચુકાદા કે આદેશને સ્વીકારતું નથી. MEA એ કહ્યું, ‘ભારતે આ કોર્ટના કાયદાકીય અસ્તિત્વને ક્યારેય સ્વીકાર્યું નથી. ભારતનું માનવું છે કે તેનું ગઠન જ સિંધુ જળ સંધિનું મોટું ઉલ્લંઘન છે. આ જ કારણે ભારત ન તો ક્યારેય આ કોર્ટ સમક્ષ રજૂ થયું છે અને ન તો તેના કોઈ ચુકાદા પર ધ્યાન આપ્યું છે.’વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ કોર્ટ પાસે ભારતના સાર્વભૌમત્વ નિર્ણયો પર બોલવાનો કોઈ અધિકાર નથી. MEA એ કહ્યું, ‘કોર્ટના અત્યારના કે ભવિષ્યના કોઈ પણ ચુકાદાની ભારતની પરિયોજનાઓ પર કોઈ અસર પડશે નહીં. CoAના કોઈ પણ આદેશની ભારતની જળ પરિયોજનાઓ પર કોઈ અસર નહીં થાય. સિંધુ જળ સંધિને હાલ પૂરતી સ્થગિત રાખવાનો ભારત સરકારનો નિર્ણય સંપૂર્ણપણે લાગુ રહેશે.’

 

CoAએ સંધિ લાગુ રાખવા આપ્યો હતો આદેશ

 

મહત્વનું છે કે કોર્ટ ઑફ આર્બિટ્રેશન(CoA) એ પોતાના ચુકાદામાં કહ્યું છે કે સિંધુ જળ સંધિ સંપૂર્ણપણે લાગુ છે અને ભારતે આ હેઠળ પોતાની જવાબદારીઓનું પાલન કરવું પડશે. જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટે ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાના કારણોની સમીક્ષા કરી અને દાવો કર્યો કે આ આધાર સંધિને નિલંબિત કે સમાપ્ત કરવા માટે યોગ્ય નથી.

 

પહલગામ આતંકી હુમલા બાદ લેવાયો હતો નિર્ણય

 

ભારતે 22 એપ્રિલ 2026ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય લીધો હતો. આ જ નિર્ણય હેઠળ જમ્મુ-કાશ્મીરમાં સિંધુ નદી પ્રણાલી પર કિશનગંગા અને રતલે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *