‘આજે તને પતાવી દેવો છે’ મહેસાણામાં પેસેન્જર ભરવાની તકરારમાં ઇકો ચાલકની હત્યા

Spread the love

ગુજરાતમાં દિવસેને દિવસે જાણે હત્યા અને મારામારીના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોઢેરા ચોકડી બસ પોર્ટ નજીક જાહેર રોડ પર પેસેન્જર ભરવા બાબતની તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઇકો કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકની ચાર શખ્સોએ કથિત રીતે છરી જેવા ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાને પગલે મહેસાણા બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ સામે હત્યા અને કાવતરાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

પેસેન્જર ભરવાની તકરારમાં જીવ ગયો

 

મહેસાણાના નાગલપુર કસ્બા વિસ્તારમાં રહેતા અને ઇકો કાર ચલાવતા સાબીરહુસેન ગુલામરસુલ સૈયદની મોઢેરા ચોકડી નજીક હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. મૃતકની પત્ની અનિશાબાનુએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાબીરહુસેન અને સાકીરહુસેન રફીકમહમદ સૈયદ વચ્ચે છેલ્લા ચાર દિવસથી મોઢેરા ચોકડી ખાતે પેસેન્જર ભરવા મુદ્દે બોલાચાલી અને તકરાર ચાલી રહી હતી. ફરિયાદ મુજબ, સાકીરહુસેન દ્વારા ફોન પર ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

આજે તને જાનથી પતાવી દેવો છે’ બોલાવ્યો હોવાનો આક્ષેપ

 

ફરિયાદ અનુસાર, બનાવના દિવસે બપોરે સાકીરહુસેને સાબીરહુસેનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢેરા ચોકડી પાસે બોલાવ્યો હતો. સાબીરહુસેન ત્યાં પહોંચ્યા બાદ સાકીરહુસેન સૈયદ, યુનુસ ખાન બાબી, માજીદખાન બાબી અને અન્ય એક શખ્સે મળીને તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ છરી જેવા ધારદાર હથિયારથી સાબીરહુસેનના ગળા અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલા બાદ ચારેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

 

સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા

 

ગંભીર રીતે ઘવાયેલા સાબીરહુસેનને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. મૃતકના પત્નીની ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સામા પક્ષનો એક આરોપી પણ ઈજાગ્રસ્ત

 

મહેસાણા, DySP, મિલાપ પટેલના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઘટનાક્રમ દરમિયાન સામા પક્ષનો પણ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મુખ્ય આરોપીઓ પૈકીનો એક આરોપી હાલ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ફરાર આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી અને સઘન તપાસ શરૂ કરી છે.

 

જાહેર રોડ પર હત્યાથી ફફડાટ

 

મોઢેરા ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર રોડ પર થયેલી આ લોહિયાળ ઘટનાથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતમાં શરૂ થયેલી તકરાર હત્યા સુધી પહોંચતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *