42 કિલોથી વધુ સોનાની દાણચોરીનો પર્દાફાશ, અમદાવાદ એરપોર્ટ પણ તપાસની રડારમાં

Spread the love

ઓર્ગેનાઇઝ્ડ ગોલ્ડ સ્મગલિંગ સામે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દેશભરમાં મોટી કાર્યવાહી હાથ ધરીને 42 કિલો સોનું અને 10 કિલો ચાંદી જપ્ત કરી છે, જેની કુલ કિંમત 65 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહીમાં પાંચ વિદેશી નાગરિકો સહિત કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. DRIની તપાસમાં સોનાની દાણચોરી માટે શરીરમાં સોનું છુપાવવાથી લઈને વાહનોમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાનાનો ઉપયોગ, ટ્રાન્ઝિટ મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની મદદ તેમજ જમીન અને દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

મુંબઈ એરપોર્ટ પર થયેલી મોટી કાર્યવાહીમાં દુબઈ, બેંગકોક અને માલેથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદેશી નાગરિકો મારફતે સોનું લાવવામાં આવતું હતું અને એરપોર્ટના એક કર્મચારીની મદદથી દાણચોરીનું સોનું બહાર કાઢવાનું નેટવર્ક ચાલતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ઘણા અધિકારો રડારમાં આવી ગયા છે.

 

સોનાની દાણચોરીના તાર અમદાવાદ એરપોર્ટ સુધી પણ જોડાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. દાણચોરો માટે અમદાવાદ એરપોર્ટ સોફ્ટ ટાર્ગેટ છે અને અમદાવાદ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં દાણચોરી થઇ રહી છે. માટે અમદાવાદ એરપોર્ટનો ચોક્કસ સ્ટાફ એજન્સીની રડારમા છે.

 

DRIએ મુંબઇ એરપોર્ટ પરથી 24 કેરેટના સોનાના મીણ સ્વરૂપના 16 કેપ્સ્યુલમાંથી 6.85 કિલો સોનું જપ્ત કરીને પાંચ વિદેશી નાગરિકો અને એક એરપોર્ટ કર્મચારી સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ કોલકાતા એરપોર્ટ પર દુબઈ અને બેંગકોકથી આવેલા મુસાફરો પાસેથી અલગ-અલગ કાર્યવાહીમાં અનુક્રમે 4.87 કિલો અને 3.36 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

 

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSF સાથેની સંયુક્ત કાર્યવાહીમાં એક મહિલાના રહેણાંક સ્થળેથી 15.61 કિલો વજનના 125 વિદેશી સોનાના બાર પણ મળી આવ્યા છે. કેરળમાં રાસ અલ ખૈમાહ અને જેદ્દાહથી આવેલા મુસાફરો પાસેથી અનુક્રમે 1.78 કિલો અને 549 ગ્રામ સોનું જપ્ત થયું છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સરહદ, ગુવાહાટી અને તમિલનાડુના દરિયાઈ માર્ગે પણ સોનાની દાણચોરીના કેસ ઝડપાયા છે.

જોકે, DRIની આ મોટી કાર્યવાહી બાદ હવે તપાસની દિશા અમદાવાદ તરફ પણ વળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશભરમાં ઝડપાયેલા દાણચોરો અને કેરિયરોના સંપર્કો, સોનાની હેરફેરના રૂટ, નાણાકીય વ્યવહારો તથા હવાલાની કડીઓની તપાસ દરમિયાન અમદાવાદ સાથે સંકળાયેલા કેટલાક સંપર્કો અને દાણચોરીના નેટવર્ક અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

 

ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ દાણચોરો માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું હોવાની બાબત તપાસ એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા સમયગાળામાં વિદેશથી આવતા મુસાફરો મારફતે મોટા પ્રમાણમાં સોનાની દાણચોરીના પ્રયાસો અમદાવાદ એરપોર્ટ પર ઝડપાતા રહ્યા છે અને હવે દેશના અન્ય શહેરોમાં ઝડપાયેલા દાણચોરોના અમદાવાદ કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

 

DRIની તપાસમાં સોનાની હેરફેર માટે અમદાવાદને મહત્વના ટ્રાન્ઝિટ અને ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, અમદાવાદમાં સક્રિય દાણચોરીના હેન્ડલરો સાથે દેશના અન્ય રાજ્યોમાં ઝડપાયેલા આરોપીઓના સીધા કે પરોક્ષ સંપર્કો છે કે કેમ તથા દાણચોરીના સોનાના નાણાકીય વ્યવહારો અમદાવાદ સુધી પહોંચે છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશના વિવિધ એરપોર્ટ પરથી ઝડપાયેલા કેરિયરોની પૂછપરછ દરમિયાન મળતી માહિતી અને મોબાઇલ સંપર્કોની તપાસમાં અમદાવાદ સાથે જોડાયેલી કડીઓ મળી આવે તો આગામી દિવસોમાં અમદાવાદમાં પણ કાર્યવાહી થઈ શકે છે.

 

ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી થતી સોનાની દાણચોરીમાં માત્ર કેરિયરો જ નહીં પરંતુ તેની પાછળ રહેલા હેન્ડલર, ફાઇનાન્સર અને સ્થાનિક મદદગારો સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે.

 

DRIના આ ઓપરેશનથી સ્પષ્ટ થયું છે કે સોનાની દાણચોરી હવે માત્ર વ્યક્તિગત કેરિયરો પૂરતી સીમિત નથી રહી, પરંતુ વિદેશથી સોનું લાવવું, એરપોર્ટ પરથી બહાર કઢાવવું, વાહનો મારફતે હેરફેર કરવી અને ત્યારબાદ અલગ-અલગ શહેરોમાં પહોંચાડવા સુધીનું સંગઠિત નેટવર્ક કાર્યરત છે.

 

આ સમગ્ર નેટવર્કમાં અમદાવાદ એરપોર્ટની ભૂમિકા અંગે પણ હવે તપાસની દિશા નક્કી થવાની શક્યતા છે અને આગામી દિવસોમાં અમદાવાદ સાથે સંકળાયેલા દાણચોરો તથા તેમના સંપર્કોની વિગતો બહાર આવે તો સોનાની દાણચોરીના મોટા ખેલનો પર્દાફાશ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *