ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા પુરુષોત્તમ સોલંકીની તબિયત લથડતા તેમને વધુ ગંભીર સારવાર માટે મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા મંત્રીને ડાયાબિટીસના કારણે પગમાં ગેંગરીન થતાં તેમની સ્થિતિ વધુ નાજુક બની હતી, જેને પગલે તબીબોની સલાહ બાદ તેમને તાત્કાલિક મુંબઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઝાયડસ હોસ્પિટલમાંથી મુંબઈ લીલાવતી ખસેડાયામળતી એક્સક્લુસિવ વિગતો મુજબ, રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી છેલ્લા બે દિવસથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ, ગેંગરીનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ વિશિષ્ટ અને ગહન સારવાર માટે મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની ખાસ દેખરેખ હેઠળ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
વિધાનસભા સત્રમાં નહીં આપી શકે હાજરીરાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીની સ્વાસ્થ્ય સંબંધિત આ ગંભીર પરિસ્થિતિ અને મુંબઈ ખાતે ચાલતી સારવારના કારણે તેઓ હાલમાં ચાલી રહેલા કે યોજાનારા ગુજરાત વિધાનસભાના મહત્વપૂર્ણ સત્રમાં હાજરી આપી શકશે નહીં. મંત્રીના સ્વાસ્થ્ય અંગેના સમાચાર સામે આવતા જ તેમના સમર્થકો, કોળી સમાજના અગ્રણીઓ અને રાજ્યના રાજકીય વર્તુળોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા પણ તેમના સ્વાસ્થ્યના ખબરઅંતર પૂછવામાં આવી રહ્યા છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
