કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઝટકો: 1 સપ્ટેમ્બરથી ‘પ્રૂફ ઓફ ફંડ’ ના નિયમોમાં થયા મોટા ફેરફાર.

Spread the love

કેનેડામાં અભ્યાસ કરવાનું સપનું જોતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (International Students) માટે એક મહત્વના અને ચિંતાજનક સમાચાર છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે (IRCC – Immigration, Refugees and Citizenship Canada) સ્ટડી પરમિટ માટે ‘પ્રૂફ ઓફ ફંડ’ (ભંડોળની સાબિતી) ની રકમમાં વધારો કર્યો છે. આ નવા નિયમો આજથી એટલે કે 1 સપ્ટેમ્બર, 2026 થી લાગુ થઈ ગયા છે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય કેનેડામાં વધી રહેલી મોંઘવારી (Cost of Living) સામે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ રહે અને તેમનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આવો જાણીએ આ નવા નિયમો અને નવી રકમની વિગતવાર માહિતી:

 

નવો નિયમ શું છે?

 

IRCC ના નવા નિયમો મુજબ, હવે સ્ટડી પરમિટ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓએ પોતાની ટ્યુશન ફી અને ટ્રાવેલ ખર્ચ ઉપરાંત, પોતાના રહેવા-જમવા માટે (Cost of Living) જે રકમ બેંકમાં બતાવવી પડે છે, તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવી રકમ ‘સ્ટેટિસ્ટિક્સ કેનેડા’ દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ આવક માપદંડ (LICO) ના 75% બરાબર રાખવામાં આવી છે.

 

IRCC એ ટ્વિટર (X) પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને વધતા ખર્ચ સામે રક્ષણ આપવા અને આર્થિક શોષણથી બચાવવા માટે અમે દર વર્ષે નાણાકીય જરૂરિયાતોને અપડેટ કરીએ છીએ.”

 

હવે કેટલું ફંડ બતાવવું પડશે?

 

Quebec સિવાયના કેનેડાના અન્ય તમામ પ્રાંતો માટે, જો કોઈ સિંગલ (એકલો) વિદ્યાર્થી અરજી કરે છે, તો તેને હવે લઘુત્તમ CAD $23,448 (લગભગ 14.50 લાખ રૂપિયા) નું ફંડ બતાવવું પડશે. આ રકમ જૂના નિયમ કરતા $553 વધુ છે. જો વિદ્યાર્થી પોતાની સાથે પરિવારના અન્ય સભ્યોને લઈ જવા માંગતો હોય, તો સભ્યોની સંખ્યા અનુસાર આ રકમમાં વધારો થશે.

 

પરિવારના સભ્યોની સંખ્યા મુજબ નવી રકમ (1 સપ્ટેમ્બરથી લાગુ):

 

1 અરજદાર (માત્ર વિદ્યાર્થી): $23,448($553 નો વધારો)

 

2 સભ્યો: $29,192($690 નો વધારો)

 

3 સભ્યો: $35,888($848 નો વધારો)

 

4 સભ્યો: $43,572($1,029 નો વધારો)

 

5 સભ્યો: $49,419($1,167 નો વધારો)

 

6 સભ્યો: $55,736($1,316 નો વધારો)

 

7 સભ્યો: $62,054($1,465 નો વધારો)

(સાતથી વધુ દરેક વધારાના સભ્ય માટે $6,318 વધારાના બતાવવા પડશે).

 

ખાસ નોંધ: 1 સપ્ટેમ્બર, 2026 પહેલાં સબમિટ કરાયેલી અરજીઓ જૂના નિયમ મુજબ જ મૂલ્યાંકન કરવામાં આવશે.

 

ફંડના પુરાવા તરીકે કયા ડોક્યુમેન્ટ્સ માન્ય ગણાશે?

 

IRCC નીચે મુજબના ત્રણ પ્રકારના દસ્તાવેજોને નાણાકીય પુરાવા તરીકે સ્વીકારે છે:

 

ચૂકવેલી ફી: ટ્યુશન અને હાઉસિંગનો ખર્ચ ચૂકવી દીધો હોવાની પહોંચ (રસીદ). પરંતુ આ સાથે ભવિષ્યના ખર્ચ માટે બેંકમાં અલગથી રકમ બતાવવી ફરજિયાત છે.

 

ઉપલબ્ધ ભંડોળ: બેંકમાંથી લીધેલી એજ્યુકેશન લોનના પુરાવા, વિદ્યાર્થીના નામે કેનેડિયન બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ, GIC (Guaranteed Investment Certificate), છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (કેનેડા કે ભારતનું), અથવા પેન્શન અને ભાડાની આવકના પુરાવા.

 

અપેક્ષિત અથવા વચનબદ્ધ નાણાં: સ્કોલરશિપના પુરાવા, તાજેતરની સેલરી સ્લિપ, અથવા જો કોઈ વ્યક્તિ (સ્પોન્સર) આર્થિક મદદ કરવાનું હોય તો તેનો વિગતવાર પત્ર. આ પત્રમાં સંબંધ, વ્યવસાય અને ચોક્કસ રકમનો ઉલ્લેખ હોવો જરૂરી છે.

 

Quebec માટે અલગ અને વધુ કડક નિયમો:

 

જે વિદ્યાર્થીઓ કેબેક પ્રાંતમાં અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ છે. તેમણે IRCC માં અરજી કરતા પહેલા Quebec Acceptance Certificate (QAC) મેળવવું પડે છે. 1 જાન્યુઆરી, 2026 ના અપડેટ મુજબ, કેબેક માટે સિંગલ વિદ્યાર્થીએ CAD $24,617 નું ફંડ બતાવવું પડે છે, જે ફેડરલ (કેન્દ્ર) ના નિયમ કરતા વધારે છે.

 

ટૂંકમાં, કેનેડામાં અભ્યાસ કરવાનું હવે વધુ ખર્ચાળ બન્યું છે અને વિદ્યાર્થીઓએ પોતાની અરજી કરતા પહેલા આ નવા નાણાકીય આંકડાઓને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી તૈયારી કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *