અમદાવાદ પોલીસનું ‘શસ્ત્ર છોડો-શાંતિ જોડો’ અભિયાન, નાગરિકોએ સ્વેચ્છાએ 740 હથિયારો પોલીસને સોંપ્યા, સૌથી વધુ ઝોન-7માંથી મળ્યા

Spread the love

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોમાં સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવા માટે શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ અને અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ખાસ કરીને શરીર સંબંધી ગંભીર ગુનાઓને અટકાવવાના હેતુથી પોલીસે સાર્વજનિક જાહેરાતો કરીને લોકોને પોતાના પાસે રહેલા ઘાતક અને તીક્ષ્‍ણ હથિયારો સ્વેચ્છાએ જમા કરાવી દેવા અપીલ કરી હતી.પોલીસની આ અપીલને શહેરના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ સામે ચાલીને મોટી સંખ્યામાં હથિયારો પોલીસને સોંપી દીધા છે.

 

શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સેક્ટર-2ના વિસ્તારોમાં ગુનાખોરી પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા ‘સમર્પણથી સુરક્ષા’ નામના ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતના નવા અભિગમ હેઠળ પૂર્વ વિસ્તારના ચાર ઝોનમાં આવતા 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસે લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ મારફતે જાહેરાતો કરી હતી. આ અપીલના પરિણામે પૂર્વ વિસ્તારના લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને 263 જેટલા ધારદાર અને ઘાતક હથિયારો પોલીસ સમક્ષ જમા કરાવ્યા હતા.

 

પૂર્વ વિસ્તારમાં મળેલી સફળતા બાદ પશ્ચિમ વિસ્તાર એટલે કે સેક્ટર-1ના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ “શસ્ત્ર છોડો – શાંતિ જોડો” અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમોએ વિવિધ વિસ્તારોમાં જઈને સ્પીકર મારફતે લોકોને ગેરકાયદે કે ઘાતક હથિયારો જમા કરાવી દેવા સૂચના આપી હતી. પોલીસની આ પહેલમાં સેક્ટર-1ના નાગરિકોએ પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો અને તલવાર, છરી, ચપ્પા, લાકડીઓ, દંડા તેમજ લોખંડની પાઇપો જેવા કુલ 477 હથિયારો સ્વેચ્છાએ પોલીસને સુપ્રત કર્યા હતા.

 

આ સમગ્ર અભિયાન દરમિયાન ખાસ કરીને ઝોન-7 વિસ્તારમાંથી સૌથી વધુ હથિયારો જમા થયા હોવાનું સામે આવ્યું છે. ઝોન-7 હેઠળ આવતા જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી કુલ 238 જેટલા હથિયારો કબજે લેવાયા હતા. જેમાં સરખેજમાંથી સૌથી વધુ 70, વેજલપુરમાંથી 50, વાસણામાંથી 34, એલિસબ્રિજમાંથી 25, આનંદનગરમાંથી 20, બોડકદેવમાંથી 18 અને સેટેલાઇટ વિસ્તારમાંથી 15 હથિયારોનો સમાવેશ થાય છે. અમદાવાદ પોલીસની આ અનોખી પહેલથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *