ઘર માટે રૂપિયા ઉઘરાવ્યા પછી બિલ્ડર નાદારી નોંધાવે તો ગ્રાહકોનું શું થાય?
-વીમા કંપનીના સર્વે સામે ગ્રાહક ખાનગી સર્વે કરાવે તો વળતર કઈ રીતે નક્કી થાય?
આ બધા સવાલોના ફાઈનલ જવાબો જોઈએ તો દેશમાં સુપ્રીમ કોર્ટ જ ઓથોરિટી છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ દરેક જાગ્રૃત નાગરિકે જાણવા-સમજવા જોઈએ.આ બાબતમાં કાયદા અને ગ્રાહક અધિકારોના ક્ષેત્રમાં રસ ધરાવતા વાચકો માટે ઉપયોગી થાય એવું એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈનું પુસ્તક ‘સુપ્રીમ જજમેન્ટ્સ-2025’ રિલીઝ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના વર્ષ 2025 દરમિયાન ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળના મહત્ત્વપૂર્ણ ચુકાદાઓનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.
આ પુસ્તકના લેખકો એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ (B.Com., LL.M., Advocate) અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ (BBA, LL.B., Advocate) છે. આ બંને યુવા એડવોકેટોએ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેના અસંખ્ય કેસો તૈયાર કર્યા અને ચલાવ્યા છે. તેમના આ પુસ્તકમાં ગ્રાહક સુરક્ષા કાયદા સાથે સંકળાયેલા વિવિધ મહત્ત્વપૂર્ણ કાનૂની મુદ્દાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પુસ્તકમાં ખાસ કરીને બેકિંગ, રિયલ એસ્ટેટ, ઈન્સ્યુરન્સ અને મેડિકલને લગતા મહત્ત્વના જુદા જુદા 20 જેટલા કેસોની છણાવટ કરાઈ છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના એવા ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે ગ્રાહકો, વકીલો, કાનૂની વિદ્યાર્થીઓ અને કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે માર્ગદર્શક બની શકે છે. કાનૂની જોગવાઈઓ સાથે તેના વ્યવહારુ પાસાં સમજાવવાના કારણે આ પુસ્તક કાનૂની અભ્યાસ ઉપરાંત પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ માટે પણ ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા છે. પુસ્તક એ રીતે લખાયું છે કે જે સામાન્ય લોકો માટે તો માહિતીપ્રદ છે જ સાથે જ કાયદાના ક્ષેત્રના લોકોને પણ તેમાંથી ટેકનિકલ મુદ્દાઓ મળી રહેશે.
પુસ્તકને વધુ વ્યાપક સંદર્ભ અને કાનૂની માર્ગદર્શન મળે તે માટે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ તથા કાનૂની ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાયો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. પુસ્તકના પ્રારંભિક વિભાગોમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ રિટાયર્ડ એમ.એસ.પરીખની પ્રસ્તાવના તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રી, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ઈ. પ્રમુખ આઈ. ડી પટેલ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુરતના પ્રમુખ પી.પી. મેખિયા, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન એડિશનલ, સુરતના પ્રમુખ આર.એલ. ઠક્કર, ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારીના પ્રમુખ કે.જે. દસોંદી, બાપ્સના કોઠારી સ્વામી ઉત્તમપ્રકાશદાસજી, વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજના ઈ. આચાર્ય ડો. ઇરમલા દયાલ, સાર્વજનિક યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડો. ભદ્રેશ દલાલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ ભાવેશ રબારી સહિતના કાનૂની ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંદેશાઓનો સમાવેશ થાય છે.આ પુસ્તક એટલા માટે પણ ખાસ છે કે કારણ કે તેમાં જાણીતા ગ્રાહક કાયદાના એડવોકેટ અને દક્ષિણ ગુજરાતમાં આ ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગણાતા શ્રેયસ દેસાઈનું આ પુસ્તક તૈયાર કરવામાં ખાસ માર્ગદર્શન રહ્યું છે.
ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ વધી રહી છે ત્યારે કાયદાના મહત્ત્વપૂર્ણ ચુકાદાઓનું સરળ ભાષામાં સંકલન સમયની જરૂરિયાત છે. આ પુસ્તક વિદ્યાર્થીઓથી લઈને કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા વ્યાવસાયિકો અને ગ્રાહક અધિકારોમાં રસ ધરાવતા સામાન્ય વાચકો સુધી પહોંચે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. આ પુસ્તકના પ્રકાશક શુભ સાહિત્ય છે અને મુદ્રક અબીલ ગુલાલ પ્રિન્ટર્સ ગોપીપુરા સુરત છે.
