ચૂંટણી આચારસંહિતા પહેલાં ગાંધીનગર મનપાની તિજોરી ખૂલી! 💥 ₹27.31 કરોડના વધારાના ખર્ચને મંજૂરી, 18 પ્રોજેક્ટ્સની મુદત લંબાવાઈ

Spread the love

ચૂંટણી આચારસંહિતા પૂર્વે ગાંધીનગર

 

મનપાની લહાણી: સ્ટેન્ડિંગ કમિટીએ ₹27.31 કરોડના વધારાના ખર્ચને લીલીઝંડી આપી, 18 પ્રોજેક્ટ્સની મુદત લંબાવાઈગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે શાસક પક્ષ દ્વારા નિર્ણયોની વણઝાર શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં કુલ 55 જેટલા વિવિધ એજન્ડા પર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી પૂર્વે કોન્ટ્રાક્ટરો પર મહેરબાનીવરસાવતાં 18 જેટલા વિકાસ કામોની મુદતમાં વધારો કરી એજન્સીઓને કામ પૂર્ણ કરવા માટે રાહત આપવામાં આવી છે, જ્યારે 6 મહત્વના કામોમાં અંદાજે ₹27.31 કરોડથી વધુ રકમનો તોતિંગ વધારાનો ખર્ચ મંજૂર કરીને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

 

ચૂંટણી પૂર્વે આખરી બેઠકમાં સ્ટોર્મ વોટર માટે કરોડોની મંજૂરી

 

સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ગાંધીનગર મનપાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની પ્રબળ શક્યતા હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની આ સંભવિત આખરી બેઠકો પૈકીની એક ગણાઈ રહી છે. મંજૂર કરાયેલા વધારાના બજેટમાં સૌથી મોટો હિસ્સો સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કની કામગીરી પાછળ ફાળવાયો છે. જેમાં ટીપી-79 તેમજ ટીપી-47 અને 48 વિસ્તારમાં ₹8.22 કરોડ અને ટીપી-80, 238, 239 ના વિસ્તાર માટે ₹9.18 કરોડ મળીને માત્ર વરસાદી પાણીના નિકાલ પાછળ જ કુલ ₹17.41 કરોડથી વધુનો તોતિંગ વધારાનો ખર્ચ પાલિકા તિજોરી પર લાદવામાં આવ્યો છે.સર્વિસ રોડ, સ્ટ્રીટલાઈટ અને ડ્રેનેજના કામોમાં પણ વધારાનો જથ્થો મંજૂર

 

આ બેઠકમાં અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટે પણ વધારાના નાણાં મંજૂર કરવામાં આવ્યા છે. સરગાસણથી ખ-0 સુધીના ગાર્ડન સર્વિસ રોડના નિર્માણ માટે ₹7.94 કરોડનો વધારાનો ખર્ચ પાસ કરાયો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ માટે ₹1.41 કરોડ તેમજ વાસણા હડમતિયા સહિતના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે ₹91.60 લાખનો વધારાનો જથ્થો મંજૂર કરવામાં આવ્યો છે. 18 જેટલા ચાલતા કામોની સમયમર્યાદા લંબાવી આપીને કોન્ટ્રાક્ટરોને દંડની જોગવાઈમાંથી બચાવી લેવાયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન મોંઘું થયું, મુદત 6 મહિના લંબાવાઈ

 

પાટનગરના નાગરિકો માટે પાલતુ શ્વાન રાખવા અંગેના નિયમોમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરમાં શ્વાન રજિસ્ટ્રેશનની નિર્ધારિત મુદત 15 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અનેક રહીશોએ નોંધણી કરાવી ન હતી, જેથી તંત્ર દ્વારા આ મુદત વધુ 6 મહિના લંબાવીને 15 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. જોકે આ રાહત સાથે નાગરિકો પર આર્થિક બોજ પણ ઝીંકાયોછે. શ્વાન રજિસ્ટ્રેશન ફી 250 થી વધારીને 300 નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે શરૂઆતમાં આ ફી માત્ર 200 હતી, જેમાં ગત માર્ચ મહિનામાં 50 વધાર્યા બાદ હવે ફરી એકવાર 50 નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

 

અધિકારીઓને ₹25 હજારની નાણાકીય સત્તા આપવાની દરખાસ્ત રદ

 

મહાનગરપાલિકાના વહીવટી માળખામાં વર્ગ-1 અને વર્ગ-2 ના શાખાધિકારીઓ પૂર્વ મંજૂરી વિના 25 હજારની મર્યાદામાં પરચૂરણ ખર્ચ કરી શકે તે માટે નાણાકીય સત્તા સોંપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે ચૂંટાયેલી પાંખે વહીવટી પાંખ પર અંકુશ જાળવી રાખવાના ભાગરૂપે આ દરખાસ્તને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. કમિશનરની આ દરખાસ્ત નામંજૂર થતાં અધિકારીઓ હવે પોતાની મનસ્વી રીતે પૂર્વ મંજૂરી વગર નાણાં ખર્ચી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *