વડોદરામાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, અલકાપુરીના CH જ્વેલર્સમાં દરોડા

Spread the love

વડોદરા શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલા જાણીતા CH જ્વેલર્સના શોરૂમમાં વહેલી સવારથી આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે CH જ્વેલર્સના શોરૂમ પર પહોંચ્યા હતા.ત્યારબાદ શોરૂમમાં ગ્રાહકો સહિતની અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી અને બહારથી પણ શોરૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ બંધ બારણે આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે.

 

અધિકારીઓ દ્વારા શોરૂમમાં બિલિંગ સિસ્ટમ, હિસાબી ચોપડા, સ્ટોક અને હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો તથા ડિજિટલ ડેટાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમ દ્વારા વ્યવહારો અને હિસાબોમાં કોઈ ગેરરીતિ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

 

સોનાના ભાવમાં સતત વધારા વચ્ચે જાણીતા જ્વેલર્સના શોરૂમ પર આવકવેરા વિભાગની કાર્યવાહીથી શહેરના અન્ય મોટા જ્વેલર્સમાં પણ ચર્ચા અને ફફડાટ ફેલાયો છે. જોકે, આ સર્ચ ઓપરેશન પાછળનું ચોક્કસ કારણ આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

 

પ્રાથમિક માહિતી મુજબ, આવક કરતાં વધુ સંપત્તિ તેમજ બિલિંગમાં સંભવિત ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત અને કાર્યવાહીનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *