Vadodara : પ્રેમ માટે ખર્ચા પૂરા કરવા મોટા બાપાના ઘરે જ હાથફેરો, યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી 5.15 લાખના દાગીના ચોર્યા

Spread the love

વડોદરામાં પ્રેમ માટે ખર્ચા પૂરા કરવા યુવતીએ પોતાના જ મોટા પપ્પાના ઘરે ચોરી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોરવા પોલીસે શ્રેયા સિંહ અને તેના બોયફ્રેન્ડ દીપક વસાવાની ધરપકડ કરીને 5.15 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

 

આરોપી યુવતી પોતાના મોટા પપ્પાના ઘરે જ રહેતી હતી

 

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી યુવતી પોતાના મોટા પપ્પાના ઘરે જ રહેતી હતી.પરિવારના વિશ્વાસનો લાભ લઈને ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે.

 

5.15 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

 

16 જૂનથી 26 ઓગસ્ટ દરમિયાન ઘરના કબાટમાં આવેલી તિજોરીમાંથી દાગીના ગાયબ થયા હોવાનું સામે આવ્યું હતું. ચોરીમાં અંદાજે 101 ગ્રામ સોનાના દાગીના અને 20 ગ્રામ ચાંદીની પાયલ સહિત કુલ 5.15 લાખનો મુદ્દામાલ સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારના સભ્યોને ઘરમાં જ રહેતી યુવતી પર શંકા જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

 

પ્રેમી સાથે મળી બનાવ્યો ચોરીનો પ્લાન?

 

પોલીસ તપાસમાં યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ચોરાયેલા કેટલાક સોનાના દાગીના ગીરવે મૂકવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 

100 ટકા મુદ્દામાલ રિકવર

 

ગોરવા પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા સોનાના દાગીના, રિંગ, કાનના ઝુમકા, બુટ્ટી, ઝુમર અને સોનાની લગડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આ કેસમાં 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો હોવાનો દાવો કર્યો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *