મહેસાણામાં બસ ડેપો બહાર લોહિયાળ ખેલ, પેસેન્જર બેસાડવા બાબતે યુવકને મોતને ઘાટ ઉતારનાર હિસ્ટ્રીશીટર સાથીદાર સાથે ઝડપાયો

Spread the love

મોઢેરા ચાર રસ્તા નજીક આવેલા બસ ડેપો પાસે ગત 30 ઓક્ટોબરના રોજ બનેલી સનસનાટીભરી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવાની જૂની માથાકૂટ રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે સીસીટીવી અને બાતમીદારોના નેટવર્ક આધારે ઝડપી લીધા છે.

 

મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ ડેપોની બહાર ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવા બાબતે છેલ્લા અઠવાડિયાથી બે જૂથ વચ્ચે બોલાચાલી અને માથાકૂટ ચાલી રહી હતી.આ જ બાબતનું મનદુઃખ રાખીને આરોપી બાબી માજીદ ખાન અને સૈયદ સાકીર હુસેને ભેગા મળીને સાબીર હુસેન ગુલામ રસુલ સૈયદ પર તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

 

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેસાણા A ડિવિઝન PIને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચોક્કસ માહિતી મળતા A ડિવિઝન પોલીસ અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી બંને આરોપીઓને દબોચી લીધા હતા.

 

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા મુખ્ય આરોપી બાબી માજીદ ખાન અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે મહેસાણા સિટી, વિજાપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઇડર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 5થી 6 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી બંને આરોપીઓને જેલભેગા કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *