બેંગલુરુથી રાખડી બંધાવવા આવેલો એન્જિનિયર કેનાલમાં તણાયો: મામા-પિતાને ડૂબતા જોઈ દીકરી પણ કેનાલમાં કૂદી; સ્થાનિકોએ બેને ઉગાર્યા, 3 દિવસે યુવકનો મૃતદેહ મળ્યોગાંધીનગર નજીક આવેલી અંબાપુર કેનાલ પર રક્ષાબંધનની ઉજવણી વચ્ચે એક હૃદયદ્રાવક હોનારત સર્જાઈ છે. બેંગલુરુથી ખાસ બહેન પાસે રાખડી બંધાવવા આવેલો એન્જિનિયર યુવક કેનાલ પર ફરતી વખતે પગ લપસતાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. તેને બચાવવાપડેલા એરફોર્સ જવાન પિતા અને તેમની માસૂમ પુત્રીને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને હેમખેમ બહાર કાઢી લીધા હતા. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ત્રણ દિવસની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
મામા અને પિતાને ડૂબતા જોઈ બાળકી પણ પાણીમાં કૂદી લેકાવાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગૌરવ યોગી તેમના સાળા અંકિત અને બે બાળકો સાથે ગુરુવારે ઢળતી સાંજે કેનાલ પર ફરવા ગયા હતા. આ સમયે અંકિતનો પગ લપસતાં તે પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. સાળાને બચાવવા ગૌરવભાઈ કૂદતાં તેઓ પણ ડૂબવા લાગ્યા હતા, જે જોઈ તેમની નાની દીકરી ગભરાટમાં પાણીમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ હિંમત દાખવીને પિતા-પુત્રીને ઉગારી લીધા હતા, પરંતુ અંકિત તણાઈ ગયો હતો.
ત્રણ દિવસથી ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની શોધખોળ ચાલુ
ઘટના અંગે અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. ગુરુવાર મોડીસાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવાયું હતું, પરંતુ અંધારું થઈ જતાં રેસ્ક્યુ સ્થગિત કરવું પડ્યું હતું. બીજા દિવસે શુક્રવારે બહિયલના કુશળ તરવૈયાઓની મદદ લેવા છતાં કોઈ સફળતા મળીન હતી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી અંકિત ઘણે દૂર તણાઈ ગયો હોવાની આશંકાએ શનિવારે પણ આગળના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રખાયું હતું. તહેવારના દિવસે જ ઘટેલી આ દુર્ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની તપાસ કરનાર ASI વિશાલભાઈએ કહ્યું કે,
6 અંકિત પરિણીત છે, જે બેંગલુરુ કોઈ કંપનીમાં નોકરી કરે છે. બનાવ સમયે સાળા અંકિત કેનાલ પાળીએ બેઠો હતો એ વખતે તેનું ચપ્પલ નીકળી જતાં લેવા નીચે ઉતરતા કેનાલમાં પડી ગયો હતો, જેને બચાવવા ગૌરવભાઈ નીચે ઉતર્યા હતા. એ વખતે ચાર વર્ષની દીકરી અને સાત વર્ષનો દીકરો બહારની સાઇડ હતા. પરંતુ પિતા-મામા ને ડૂબતા જોઈ ચાર વર્ષની દીકરી પણ બાળ સહજ સ્વભાવે નીચે ઊતરી ગઈ હતી. હાલમાં અંકિતની લાશ કડીની પાડુંદરા કેનાલમાંથી મળી આવી છે.
