મોબાઇલ ફોન બે માણસોને કનેક્ટ કરવા માટે હોય છે. સ્વાભાવિક છે કે એનાથી કંઈ ભગવાનની સાથે કનેક્શન ના જોડાય. મોબાઇલથી ભગવાનને કોઈ દિવસ ફોન ના કરાય. ભગવાનને ફોન કરવો હોય તો મનથી સાદ પાડવો પડે, પોકાર પાડવી પડે. બિલકુલ દ્રૌપદીની જેમ, તો જ શ્રીકૃષ્ણ મદદ માટે દોડી આવે. ટૂંકમાં વાત એટલી જ છે કે, સાચી ભક્તિ કરવા માટે મોબાઇલની કોઈ જરૂર નથી હોતી.આજે મોબાઇલ અને ભક્તિ વિશે વાત કરવાનું મોટું કારણ એ છે કે તામિલનાડુનાં મંદિરોમાં મોબાઇલ ફોન પર સખત પ્રતિબંધનો અમલ કરવામાં આવ્યો છે. આ કોઈ નાનીસૂની વાત નથી, મંદિરોએ ખૂબ જ હિંમતનું કામ કર્યું છે. કેમ કે, આજે માણસને મોબાઇલથી દૂર રાખી જ ના શકાય. તમે જ કહો કે, તમે દિવસમાં સુવા સિવાય કેટલા કલાક મોબાઇલથી દૂર રહો છો. એટલે જ તામિલનાડુનાં 52 મંદિરોએ મોબાઇલ પર પ્રતિબંધ મૂકીને મોટું કામ કર્યું છે. પહેલી સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ આખી વાત વાત કરવાનું કારણ આ નિર્ણય નથી, પરંતુ મૂળ કારણ તો એની અસર છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આ પ્રતિબંધ પછી મંદિરમાં આવતા ભક્તોની સંખ્યા સાવ ઘટી ગઈ છે. તામિલનાડુના કાંચીપુરમના પ્રખ્યાત દેવરાજસ્વામી અથિ વરદરાજ મંદિરમાં મોબાઇલ પર પ્રતિબંધ મૂકાયા પછી આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. આ પહેલાં મંદિર પરિસરમાં ધ્વજસ્તંભની આસપાસ યુવાનો મન મૂકીને સેલ્ફી લેતા દેખાતા હતા, ત્યાં હવે માત્ર વડીલો કે વૃદ્ધ ભક્તો જ નજરે પડે છે. ફોન જમા કરવાવાળા કાઉન્ટર પર પહેલા દિવસે લાંબી લાઈનો હતી, પણ હવે ત્યાં પણ આધેડ વયના અને વૃદ્ધો જ વધારે દેખાય છે. ઘણા યુવાનોએ મંદિર આવવાનું ઓછું કરી દીધું છે. આ સ્થિતિ માત્ર એક જ વરદરાજ મંદિરની નથી, પણ રાજ્યના બીજા મોટા મોટા મંદિરોમાં પણ બિલકુલ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
મંદિરના પૂજારીઓ કહે છે કે, આ નવો નિયમ લાગુ થયા પછી રોજ આવતા ભક્તોની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ છે. ખાસ કરીને અનેક યુવાનોએ જ મંદિરમાં આવવાનું બંધ કર્યું છે, જેઓ ભગવાનના દર્શન કરવાની સાથે સાથે ફોટા પાડવા, વીડિયો બનાવવા અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ ભેગું કરવા આવતા હતા. હવે, મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે યુવાનોની સંખ્યા ખાસ્સી ઘટી ગઈ. હવે, આ નિયમ મુજબ મંદિરમાં એન્ટ્રી કરતા પહેલા જ પોતાનો સ્માર્ટફોન બહાર કાઉન્ટર પર જમા કરાવવો પડે છે. આટલું જ નહીં, કાઉન્ટર પર ફોન જમા કરાવવા માટે 5 રૂપિયાનો ચાર્જ પણ ચૂકવવો પડે છે.
સદીઓથી ભગવાન એકલા જ દર્શન આપતા હતા, પણ આજના ડિજિટલ યુગમાં અચાનક એવું થઈ ગયું છે કે, ભગવાનને પણ સ્ક્રીન, ફ્રન્ટ કેમેરા અને લાઈવ લોકેશનવાળા કેપ્શનની આદત પડી ગઈ છે. જે યુવાનોએ હવે મંદિરોમાં આવવાનું બંધ કરી દીધું છે, તેમણે ખરેખર વિચારવું જોઈએ કે, આખરે દર્શન કરવાનો અર્થ શું છે. કેમ કે, મંદિરમાં પૂજા, આરતી અને દર્શન જ કરવાના હોય, તો એના માટે મોબાઇલની કોઈ જાતની જરૂર નથી. જો તમે દુનિયાને બતાવવા માગતા હોય કે, હું મંદિરમાં આવ્યો છું, તો જ તમારે મોબાઇલની જરૂર પડે. જેથી તમે રીલ્સ બનાવીને લોકોને બતાવી શકો કે, હું તો ભગવાનનો ભક્ત છું. આ પરિસ્થિતિ જોતા લાગે છે કે, હવે ભક્તિ પણ ઇન્સ્ટાગ્રામ માટે જ કરવામાં આવી રહી છે.
તમે સૌથી મોટો ફરક સમજો. આપણે ભગવાનના વિચારોને ફોલો કરવાના હોય છે. એટલે કે, એનો અમલ કરવાના હોય છે, પરંતુ અનેક યુવાનો તો પોતાના ફોલોઅર્સ માટે જ મંદિરોમાં જાય છે. તેઓ ઇન્ફ્લુઅન્સર બનવા માગતા હોય છે, પણ મંદિરમાં તો ભગવાનનું ઇન્ફ્લુઅન્સ મેળવવા જ જવું જોઈએ. જોકે, યુવાનો આ વાત સમજતા નથી. હવે, તેઓ એવા મંદિરોમાં જાય છે કે જ્યાં મોબાઇલ પર પ્રતિબંધો ના હોય. ટૂંકમાં ભગવાનને પસંદ કરવાનો માપદંડ એ બની ગયો છે કે કયું મંદિર રીલ બનાવવાની છૂટ આપે છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે મંદિરોએ પણ ટકવા માટે સ્પર્ધામાં ઉતરવું પડશે, તેમણે કહેવું પડશે કે, અમારા મંદિરમાં ફ્રી વાઇ-ફાઇ મળે છે, એટલે તમે છૂટથી રીલ બનાવો.
મંદિરો હવે પૂજાઘર મટીને કન્ટેન્ટ ક્રિએટ કરવા માટેનું સ્થળ બની ગયા છે. આમાં કંઈ મંદિરની ભૂલ નથી, આ તો આપણી આખી પેઢીની ટેવનો સવાલ છે. અત્યારના જેન ઝી સમજે છે કે જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર નથી થયો, સમજો કે એ ઘટના દુનિયામાં ક્યારેય બની જ નથી. એટલે કે, સોશિયલ મીડિયા પર જે રજૂ થાય છે એ જ સાચું. પૂજારીઓ કહે છે કે, ઇન્સ્ટાગ્રામના વ્યુઝ માટે મંદિરની પવિત્રતા ઓછી ના કરી શકાય. યુવાનો મંદિરોમાંથી દૂર થયા તો હજી પણ આધેડ વય અને વૃદ્ધો હજી પણ મંદિરોમાં આવે છે. કેમ કે, તેમને ખબર છે કે, દેખાડા કરવા માટે ભક્તિ ના કરવાની હોય.
અમે આ આખી વાત તામિલનાડુના યુવાનો માટે કહી છે, પરંતુ કદાચ ગુજરાતમાં પરિસ્થિતિ અલગ પણ હોય શકે છે. કેમ કે, તમે જુઓ કે, ગુજરાતના અનેક મંદિરોમાં મોબાઇલ ફોન બહાર જ મૂકાવડાવામાં આવે છે. એમ છતાં મંદિરોમાં આપણને યુવાનો જોવા મળે છે. આ બધા વચ્ચે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે, જેન ઝી ખરેખર ધર્મ તરફ વળ્યા છે.
