ભાવનગર શહેરમાં ગુનાગારો બેખોફ બન્યા હોય તેવા દ્રશ્યો રોજ સામે આવી રહયાં છે. એક બાજુ જન્માષ્ટમીના મેળામાં હથિયાર લઇને ફરતા અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળે છે અને બીજી બાજુ દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત થઇ જાય છે તો 4 સપ્ટેમ્બરના શુક્રવારે ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં 7 મિનિટ સુધી મહિલા પર જીવલેણ હુમલો થાય છે અને મહિલાની નિર્મમ હત્યા થઇ જાય છે અને લોકો મૂકદર્શક બની જોતા રહે છે.દૂર દૂર સુધી કોઇ પોલીસ કર્મી જોવા મળતો નથી. ભાવનગરમાં બની રહેલી તમામ ઘટનાઓ શહેરની કથળતી કાયદા વ્યવસ્થાની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. આજે ભાવનગરમાં મહિલાની હત્યાના આરોપીનું પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે. ભાવનગર ST બસ સ્ટેન્ડ પર કાજલ બારૈયાની હત્યા કરવામાં આવી હતી. આરોપી ફૈઝલે કાજલ બારૈયાને ઢોર માર મારતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાના LIVE દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.
ભાવનગરમાં જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જન્માષ્ટમીના મેળામાં હજારો લોકોની ભીડ વચ્ચે જ્યાં લોકો પરિવાર સાથે મેળો માણવા પહોંચે છે ત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં મેળામાં ભીડ વચ્ચે કેટલાક શખ્સો ધારદાર હથિયારો સાથે ફરતા જોવા મળે છે. એટલું જ નહીં, મેળામાં આવેલી સુનામી રાઈડમાં છરી વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.મહત્વનું છે કે જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે પહોંચતા હોય છે. ત્યારે આ પ્રકારના હથિયારો સાથેના તત્વો નજરે પડતાં મેળામાં આવતા પરિવારજનોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે અને મેળાની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા થયા છે.
મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના દાવા વચ્ચે અસામાજિક તત્વો હથિયારો સાથે કેવી રીતે પ્રવેશ્યા તે સૌથી મોટો સવાલ છે. વાયરલ વીડિયોની હકીકત અને તેમાં દેખાતા શખ્સો અંગે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.
