ડિજિટલ એરેસ્ટને લઇને પોલીસ અને સરકાર દ્વારા જાગૃતતા માટેના અનેક પ્રયત્નો બાદ પણ હજી લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરમાં રહેતી વધુ એક વૃદ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રિટાયર્ડ આર્મી જવાનની પત્નીને મુંબઇ એટીએસના એસીપી અશોક યાદવના નામે ગઠિયાએ ફોન કરીને વૃદ્ધાને આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહીને ડરાવ્યા હતા.બાદમાં સતત ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને 38 લાખ પડાવી લીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા રિટાયર્ડ આર્મી જવાનની પત્નીને તા. 2 જુલાઇએ અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ગઠિયાએ પોતે મુંબઇ એટીએસમાંથી એસીપી અશોક યાદવ બોલી રહ્યા હોવાની ઓળખ આપીને મુંબઇમાં આતંકવાદી પકડવા બાબતે કહ્યું હતું. જેની પાસેથી મળેલા 58 કરોડ રૂપિયામાંથી તમને 10 ટકા જેટલી રકમ મોકલવાની વાત થઇ હોવાના પુરાવા મળ્યાનું કહીને વૃદ્ધાને ડરાવ્યા હતા. જે બાદ ગઠિયાએ એપ્રિલ 2025થી આતંકવાદી સાથે વાતચીત કરી હોવાથી તમે આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું કહીને વૃદ્ધાને ડરાવતા વૃદ્ધાએ આ તમામ આક્ષેપો નકાર્યા હતા. જેથી ગઠિયાએ ફરિયાદીને તપાસના કામે મુંબઇ એટીએસ આવવા જણાવ્યું હતું. જો મુંબઇ નહીં આવે તો પોલીસ ઘરે આવીને પકડી જશે તેવી ધમકી આપી હતી.
બાદમાં મહારાષ્ટ્ર એટીએસનો લોગો પાછળ દેખાય તે રીતે પોલીસ યુનિફોર્મમાં સજ્જ ગઠિયાએ વીડિયો કોલ કર્યો હતો. જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી વીડિયો કોલ ચાલુ રાખવા વૃદ્ધાને ફરજ પાડી હતી. ત્યારબાદ ફરિયાદી પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મેળવી હતી. બાદમાં બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે તે તમામ વેરિફિકેશન માટે સરકારી બેંક એકાઉન્ટમાં જમા કરાવવા કહ્યું હતું. જે બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને જો તમે કોઇ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નહીં હોય તો વ્યાજ સાથે તમને રૂપિયા પરત મળી જશે તેવો વાયદો કર્યો હતો. ગઠિયાએ ફરિયાદીને પોલીસના લોગોવાળા લેટરમાં તેમને આરોપી તરીકે દર્શાવેલ હોય તેવા ફોટો પણ મોકલી આપ્યા હતાં. આમ ફરિયાદીને બેંક એકાઉન્ટ નંબર આપતા ફરિયાદીએ ચાર જ દિવસમાં કુલ 38 લાખ જમા કરાવ્યા હતાં. બાદમાં ફરિયાદીને શંકા જતા તેમણે આ બાબતે પરિવારજનોને જાણ કરતા પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની જાણ થતાં હેલ્પલાઇન પર અરજી આપી હતી. જે બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વૃદ્ધાને માતા સમાન ગણીને વિશ્વાસ કેળવ્યો
ગઠિયાએ પોલીસ યુનિફોર્મમાં સજ્જ થઇને ફરિયાદીને કહ્યું હતું કે, તમારા કેસની તપાસ હું કરુ છું, તમે સિનિયર સિટીઝન છો અને મારા માતા પિતા સમાન છો, જે પણ હું તમને પૂછું તેનો સાચો જવાબ આપશો, તો હું વેરિફિકેશન કરીશ, જો તમે નિર્દોષ હશો તો તેમને છોડી દેવામાં આવશે.
