શિક્ષણ ક્ષેત્રે મહેસાણાનો ડંકો : DPEOને પ્રતિષ્ઠિત ‘નેશનલ ઇનોવેશન એવોર્ડ’

Spread the love

શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ અને નાવીન્યસભર પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા NIEPA (ન્યૂપા), નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન કરવામાં આવે છે. તા.૩સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીને શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ ઇનોવેશન અને શ્રેષ્ઠ શૈક્ષણિક આયોજન બદલ પ્રતિષ્ઠિત ‘નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન એન્ડ ગુડ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન’ અંતર્ગત નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર, મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૫માં અભ્યાસ કરતા ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્તર મુજબની ક્ષમતાઓ અને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓમાં પારંગત બને તે માટે વર્ષ-૨૦૨૪થી DPEO ડૉ. શરદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ શૈક્ષણિક પ્રકલ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો. જમાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, BRC કો-ઓર્ડિનેટર્સ, CRC કો-ઓર્ડિનેટર્સ તેમજ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના સઘન સહયોગથી વિદ્યાર્થીઓને ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી જેવા વિષયોમાં પારંગત બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

 

આ શૈક્ષણિક પહેલ અંતર્ગત જિલ્લાના વિષય નિષ્ણાત શૈક્ષણિક ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા અધ્યયન નિષ્પત્તિ આધારિત ‘ગુરુચાવી’ અને ‘ચાલો મગજ કસીએ’ જેવા શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરાયા હતા. વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભીતિ દૂર થાય તે માટે શાળા અને જિલ્લા કક્ષાએથી વિશેષ ‘અનુભવ કસોટીઓ’નું આયોજન કરી વિદ્યાર્થીઓને અદ્દલ રાજ્ય પરીક્ષા બોર્ડ જેવી પરીક્ષાનો સતત મહાવરો પોતાની શાળામાં જ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE), NAS અને GAS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લાના વિદ્યાર્થીઓનો સ્કોર સુધરે તેવા હેતુથી લક્ષિત તૈયારીઓ કરાવવામાં આવી હતી.

 

આ ઇનોવેશનન પરિણામે જિલ્લાના ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CET)ના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ અને અને ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભાગ લીધો હતો. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ પરીક્ષામાં રેકોર્ડબ્રેક ૩૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા. ધોરણ-૫ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં તેમજ ‘ગુણોત્સવ ૨.૦’ના પરિણામોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ ટીમની આ નવતર કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાતાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને આ રાષ્ટ્રીય એવોર્ડ બદલ સમગ્ર શિક્ષણ જગતમાંથી અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *