હદ થઈ ગઈ! મૃતકને પણ ન છોડ્યા, ચિતાની રાખમાંથી લાખોના કૃત્રિમ ઘૂંટણ ચોરી ગયો યુવક

Spread the love

ભટિંડા જિલ્લામાંથી વિચિત્ર ઘટના સામે છે. અહીં એક યુવકે સ્મશાનમાં ચિતાની રાખમાંથી મૃતકના બે કૃત્રિમ ઘૂંટણ (ગોઠણ) કાઢીને ચોંરી લીધા હતા. એટલું જ નહીં, યુવક આ ઘૂંટણ વેચવા માટે પણ જઈ રહ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં જ મૃતકના પરિવારજનો દોડતા થયા હતા અને તેને ઝડપી પાડ્યો હતો.

આ ઘટના ભટિંડાના ભાઈ બખ્તૌર ગામમાં બની હતી. ભાઈ બખ્તૌર ગામના રહેવાસી 65 વર્ષીય સૌદાગર સિંહનું બે દિવસ પહેલાં અવસાન થયું હતું.તેમના બંને ઘૂંટણની સર્જરી (Knee Replacement Surgery) કરવામાં આવી હતી અને તેમાં કૃત્રિમ ઘૂંટણ (Artificial Knee Joint) લગાવવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, આ સારવારમાં અંદાજે બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

 

સૌદાગર સિંહના અવસાન બાદ ઘૂંટણ ચોરાયા

 

સૌદાગર સિંહના અવસાન બાદ ગામના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારજનો બીજા દિવસે અસ્થિ એકત્ર કરવા આવવાના હતા. તે પહેલાં એક યુવક સ્મશાનમાં પહોંચ્યો હતો. ગામના એક વ્યક્તિએ યુવકને ચિતાની રાખને ડંડાથી ઉથલાવતા જોયો હતો. શંકા જતા તેણે યુવકને પૂછ્યું કે ‘તું રાખ સાથે શું કરી રહ્યો છે?’. જેથી યુવક કોઈ બહાનું બનાવીને ત્યાંથી નીકળી ગયો હતો.

 

બીજા દિવસે જ્યારે પરિવારજનો અસ્થિ લેવા માટે સ્મશાનમાં પહોંચ્યા, ત્યારે તેમને મૃતકના ઘૂંટણ (કૃત્રિમ ઘૂંટણ) ચિતાની રાખમાં મળ્યા નહોતા. ત્યારબાદ પરિવારને અગાઉ સ્મશાનમાં એક યુવક રાખ સાથે છેડછાડ કરતો હોવાની વાત જાણવા મળી હતી. શરૂઆતમાં પરિવારને એવી પણ શંકા હતી કે કોઈ તાંત્રિક વિધિ અથવા અન્ય કોઈ કારણસર રાખ સાથે છેડછાડ કરવામાં આવી હશે. જોકે, તપાસ કરતાં નકલી ઘૂંટણ ગાયબ હોવાનું સ્પષ્ટ થયું.

 

યુવકને ઘૂંટણ સાથે ઝડપી પાડ્યો

 

પરિવાર અને ગામલોકોએ યુવકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ તેને કથિત રીતે નકલી ઘૂંટણ સાથે પકડી લેવામાં આવ્યો હતો. ગામલોકોના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન યુવકે ઘૂંટણ લઈ જવાની વાત સ્વીકારી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ ઘૂંટણ ક્યાં લઈ જઈ રહ્યો છે, ત્યારે તેણે તેને વેચવાની વાત કરી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. આ નકલી ઘૂંટણ ટાઇટેનિયમ અથવા અન્ય કોઈ કિંમતી ધાતુમાંથી બનેલા હોવાની શક્યતા હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 

‘હવે ચિતા પર પણ નજર રાખવી પડશે’

 

આ ઘટનાથી ગામમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃતકના પુત્ર કુલવિંદર સિંહે જણાવ્યું કે, ચોરીની ઘટનાઓ હવે એટલી વધી ગઈ છે કે લોકો મૃત વ્યક્તિની વસ્તુઓને પણ છોડતા નથી. ગ્રામજનોએ આ ઘટનાનો વીડિયો જાહેર કરીને ભારે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું છે કે હવે કોઈના અંતિમ સંસ્કાર થાય તો ચિતાની પણ દેખરેખ રાખવાની નોબત આવી ગઈ છે.

 

યુવક એકલો હતો કે તેની પાછળ કોઈ બીજાનો હાથ?

 

ગામના મહિન્દર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે ઘૂંટણ ચોરી કરનાર યુવક કદાચ એકલો ન પણ હોય. તેમના કહેવા પ્રમાણે, શક્ય છે કે કોઈ અન્ય વ્યક્તિએ તેને આ કામ માટે મોકલ્યો હોય. જોકે, આ બાબતે કોઈ સત્તાવાર તપાસ કે પુષ્ટિ સામે આવી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે શરીરમાં લગાવવામાં આવેલા કૃત્રિમ ઘૂંટણ ખૂબ મોંઘા હોય છે. તેથી આ ઘટના પાછળ કોઈ અન્ય વ્યક્તિ અથવા ગેરકાયદે ખરીદદારનો હાથ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ નથી

 

આ સમગ્ર મામલામાં ગામલોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ મળતી માહિતી મુજબ આ ઘટના અંગે હજુ સુધી પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જેના કારણે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *