ગુવાહાટીમાં પત્નીની નિર્દયતાથી હત્યા કરનારા આરોપી પતિ રામાનુજ ગોસ્વામીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. આરોપીએ પત્નીનું માથું અને આંગળીઓ કાપીને મૃતદેહના ટુકડા ફ્રિજમાં રાખ્યા હોવાનો આરોપ છે. સરેન્ડર કર્યા બાદ આરોપીએ પોતાના કૃત્ય અંગે કોઈ અફસોસ ન હોવાનું જણાવ્યું હતું.
હવે પોલીસ એવા દાવાની પણ તપાસ કરી રહી છે કે આરોપીએ પત્નીના શરીરના કેટલાક ભાગો કૂતરાઓને ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, ડીસીપી (ઈસ્ટ)એ કહ્યું કે તેમને આ દાવા અંગે કોઈ માહિતી નથી અને તપાસ દરમિયાન તેની પુષ્ટિ કરવામાં આવશે.
લગ્નને માત્ર 6 મહિના થયા હતા
રામાનુજ ગોસ્વામી અને રિયાના લગ્નને આશરે છ મહિના જ થયા હતા. કેબ ડ્રાઈવર ગોસ્વામી મૂળ ગૌરીપુરનો રહેવાસી હતો, જ્યારે રિયા ફેન્સી બજારની એક બુટિકમાં કામ કરતી હતી. બંને ગુવાહાટીમાં સાથે રહેતા હતા.
હત્યાનું કારણ શું હતું?
ડીસીપી (ઈસ્ટ) તબ્બુ રામ પેગુએ જણાવ્યું હતું કે ગોસ્વામીને તેની પત્નીના કથિત લગ્નેતર સંબંધ અંગે શંકા હતી. પોલીસના જણાવ્યા મુજબ, બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
આરોપી રામાનુજ ગોસ્વામીએ પત્ની સાથે અફેર હોવાની શંકા ધરાવતા વ્યક્તિને પણ મારી નાખવાની ધમકી આપી હતી. પત્ની રિયા તાલુકદાર ગોસ્વામીની હત્યા કર્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હત્યા પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસનું કહેવું છે.
ફ્લેટમાં લોહીના ડાઘ અને કપાયેલો મૃતદેહ મળ્યો
આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બશિષ્ઠપુરમાં રહેતા રિયાના સંબંધીઓનો તેની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી.
ડીસીપી તબ્બુ રામ પેગુના જણાવ્યા મુજબ, હાટીગાંવ પોલીસ ફ્લેટ પર પહોંચી ત્યારે રિયાનો માથું કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. ફ્લેટમાં લોહીના ડાઘ અને વેરવિખેર સામાન મળી આવ્યો હતો. ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ધારદાર હથિયાર ‘દાઓ’ પણ મળી આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, રિયાનું કપાયેલું માથું ફ્રિજની અંદરથી મળી આવ્યું હતું, જે કાળા પોલિથીન બેગમાં વીંટેલું હતું. તેની કેટલીક આંગળીઓ પણ કપાયેલી મળી આવી હતી.
પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતદેહ મળી આવ્યો તેના 24થી 48 કલાક પહેલાં હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
નશાની હાલત અને ડ્રગ્સ અંગે પણ તપાસ
હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે હત્યા સમયે ગોસ્વામી નશાની હાલતમાં હતો કે નહીં અને અગાઉ તેને ડ્રગ્સની લત અંગે કોઈ રેકોર્ડ હતો કે નહીં.
CID, ફોરેન્સિક અને ફિંગરપ્રિન્ટ ટીમો ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓની તપાસ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમને ફરીથી સમજવાનો પ્રયાસ કરી રહી છે.