વિચારો કે, તમે વર્ષોથી એક વાળંદ પાસે દર થોડા દિવસોમાં વાળ કપાવવા જતા હોવ. દેખાવમાં તે વાળંદ ખૂબ સામાન્ય લાગતો હોય અને તમે જ્યારે જાવો ત્યારે તે પોતાના દુઃખો તમને સંભળાવતો હોય. જોકે, એક દિવસે અચાનક તમને ખબર પડે કે, તે વાળંદ તો હકીકતમાં બહુ પૈસાદાર છે અને પોતાના કાળા કામ છૂપાવવા માટે દુકાન ચલાવતો હતો. તો તમને પણ ઝટકો લાગે ને?આવો જ એક ચોંકાવનારો કિસ્સો હિમાચલ પ્રદેશના શિમલામાંથી સામે આવ્યો છે.
વાળ કાપવાની દુકાન ચલાવતા સોહન લાલ ઉર્ફે હેપ્પીની ₹1.64 કરોડથી વધુની સંપત્તિ પોલીસે સીઝ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વાળંદની દુકાન માત્ર ઢોંગ માટે ચલાવતો હતો અને કથિત રીતે અફીણની ગેરકાયદેસર તસ્કરી સાથે સંકળાયેલો હતો. શિમલાની ASP મેહર કંવરે આ મામલાની પુષ્ટિ કરી છે.
દુકાનમાંથી મળ્યું 71 ગ્રામ અફીણ
મળતી માહિતી મુજબ, 10 જૂન 2026ના રોજ ઠિયોગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. તપાસ દરમિયાન આરોપીની દુકાનમાંથી લગભગ 71 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. ત્યારબાદ તપાસ આગળ વધારતા પોલીસને જાણવા મળ્યું કે, આરોપી લાંબા સમયથી ઠિયોગ, કોટખાઈ, રોહડૂ અને આસપાસના વિસ્તારોમાં અફીણની ગેરકાયદેસર સપ્લાય કરતો હતો.
₹1.64 કરોડની સંપત્તિ સીઝ
નાણાકીય તપાસ દરમિયાન પોલીસે આરોપી અને તેના સહયોગીઓની સંપત્તિ તથા આવકના સ્ત્રોતની તપાસ કરી હતી. તેમાં રહેણાંક પ્લોટ, ખેતીની જમીન, બે માળની દુકાન, વાહન તેમજ બેંક અને પોસ્ટ ઓફિસના ખાતામાં જમા રકમ સહિત કુલ ₹1.64 કરોડથી વધુની સંપત્તિ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ સંપત્તિ પ્રથમ દ્રષ્ટિએ નશાના ગેરકાયદેસર વેપારમાંથી થયેલી આવક સાથે સંબંધિત હોવાનું જણાયું હતું. તેથી NDPS Act હેઠળ તેને સીઝ કરવામાં આવી છે.
