પાટનગર યોજના વિભાગ-2ના અધિકારીઓની કથિત મનસ્વી નીતિ સામે ગાંધીનગર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનમાં રોષ ફેલાયો છે. એસોસિએશને વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરી અધિક્ષક ઇજનેરને રજૂઆત કરી છે.
11 જેટલા કામોના ટેન્ડરમાં સરકારી માપદંડોને કોરાણે મૂકી છેડછાડ કરવામાં આવી હોવાનો તેમજ પસંદગીની એજન્સીઓને લાભ મળે તે રીતે નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ ગત દિવાળીથી કોન્ટ્રાક્ટરોના અંદાજે રૂ.30 કરોડના ચૂકવણાં અટવાયેલા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
એસોસિએશનના આક્ષેપ મુજબ પાટનગર યોજના વિભાગ-2ના કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેર દ્વારા ટેન્ડરની પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવાને બદલે ચોક્કસ એજન્સીઓને ફાયદો થાય તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. વિવિધ 11 ટેન્ડરમાં સરકારી માપદંડો સાથે છેડછાડ કરી મનસ્વી રીતે નિર્ણયો લેવાયા હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માગણી પણ કરાઈ છે.
બીજી તરફ કોન્ટ્રાક્ટરોના ચૂકવણાંનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ગત દિવાળી દરમિયાન ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં પેટા વિભાગ-2 દ્વારા કોન્ટ્રાક્ટરોને સમયસર ચૂકવણાં કરવામાં આવ્યાં નહોતાં.
હવે દિવાળીને માત્ર બે મહિના જેટલો સમય બાકી છે ત્યારે ચાલુ વર્ષે પણ હેડ નં. 2216 એમ એન્ડ આર તથા 2059 એમ એન્ડ આર હેઠળ અગાઉના કામોના અંદાજે રૂ.30 કરોડના ચૂકવણાં બાકી છે. તેમ છતાં જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
એસોસિએશને જણાવ્યું છે કે આ મુદ્દે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મુખ્ય ઇજનેર, સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરવામાં આવી છે.
તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ સંતોષકારક જવાબ કે ઉકેલ આવ્યો નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરોમાં અસંતોષ વધુ વકર્યો છે.
એસોસિએશનના પદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે અધિકારીઓની આવી કથિત મનસ્વી કામગીરી અને ચૂકવણાંમાં વિલંબથી સરકારી કામો સાથે સંકળાયેલા ઈજારદારોની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે