મનપાની મોટી મહેરબાની! શિક્ષક સંઘના બિલ્ડિંગની ₹82 લાખની ઇમ્પેક્ટ ફી માફ

Spread the love

સેક્ટર-13માં આવેલા પ્રાથમિક શિક્ષક સંઘના બિલ્ડિંગમાં નિયમ વિરૂદ્ધના બાંધકામ નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ થયેલી અરજીના અનુસંધાને પાર્કિંગ મામલે વસૂલવાની થતી 82.21 લાખ રૂપિયાની ફી માફ કરવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

 

સૂત્રો મુજબ મહાત્મા મંદિરના નિર્માણમાં આ ભવનની કમ્પાઉન્ડ વોલ સહિત કેટલોક ભાગ કપાતમાં ગયો હતો પરિણામે ભવનના બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા નહીં રહેતા નિયમ વિરૂદ્ધનું બાંધકામ કરવું પડ્યું હોવાનો મત રજૂ કરાયો હતો.

શહેરમાં થયેલા ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે હાલ ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નિયત ફી વસૂલીને બાંધકામ નિયમિત કરી આપવામાં આવે છે.

 

જે અનુસંધાને સેક્ટર-13માં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ભવન દ્વારા પણ ઇમ્પેક્ટ ફી હેઠળ ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા અરજી કરવામાં આવી હતી. જે અનુસાર ઇમ્પેક્ટ ફી માફ કરવા પણ રજૂઆત થઇ હતી.

 

આ ભવન માટે સરકાર દ્વારા અગાઉ જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ તે પછી મહાત્મા મંદિર બનતાં તેને આનુસંગિક વ્યવસ્થા માટે શિક્ષક સંઘના ભવનની જમીન કપાતમાં ગઇ હતી. આ મામલે રજૂઆત થતાં પાર્કિંગ અંગેની 82.21 લાખ રૂપિયાની ઇમ્પેક્ટ ફી માફ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *