10,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં વિદ્યાસહાયકોની ભરતીમાં ભાજપ સરકાર દ્વારા લાલીયાવાડી કરવામાં આવી રહી છે – અર્જુનભાઈ મોઢવાડિયા
ગુજરાતમાં 47,000 વધુ TET પાસ ઉમેદવારો છેલ્લા 4 વર્ષથી બેરોજગાર છે. છતાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકોની ભરતી કરવાની જગ્યાએ માત્ર ઠાલા વચનો આપીને ઉમેદવારોનું ભાવી અંધકારમય બનાવવામાં આવી રહ્યું છે. વળી ગુજરાતમાં TET પ્રમાણપત્રની વેલિડીટી માત્ર પાંચ વર્ષની જ હોવાથી સત્વરે ભરતી ના થાય તો વર્ષ 2017 માં TET પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી માટેની યોગ્યતા ગુમાવે તેવો પણ ડર છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના શિક્ષમંત્રી માન. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી સત્વરે વિદ્યાસહાકોની ભરતી કરવા અને TET પ્રમાણપત્રની વેલિડીટી આજીવન કરવા રજુઆત કરી છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે, અનેક શાળાઓ એક-બે શિક્ષકોના ભરોસે ચાલી રહી છે, જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં 47,000 થી વધુ T.E.T. પાસ ઉમેદવારો ચાર વર્ષથી બેરોજગાર બેસી રહ્યા છે. રોજગારીના અભાવે તેઓ ધીરેધીરે તેઓ ડીપ્રેશન તરફ ધકેલાઈ રહ્યા છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવતી નથી, તે બાબત દુઃખદ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2018-19 માં 6000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જો તેની સામે માત્ર 3,262 વિદ્યાસહાયકોની ભરતી કરીને બાકી ભરતી પાછળથી કરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ દિવસ સુધી તે બાકી રહેલ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવેલ નથી. 23 ઓક્ટોબાર 2019 ના રોજ 3,000 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી, જે પણ આજ દિવસ સુધી થઈ શકેલ નથી. ચાલુ વર્ષે 3,900 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. જો કે તે પૈકી ગુજરાતી સિવાયના માધ્યમના 600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતી માધ્યમના 3,300 વિદ્યાસહાયકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એકબાજુ રાજ્યમાં T.E.T. પાસ કરી શિક્ષક તરીકેની યોગ્યતા ધરાવતા 47,000 વધુ ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી બેરોજગાર હોય, શાળાઓમાં શિક્ષકોની જગ્યાએ ખાલી હોય છતાં ભરતી ના કરવામાં આવે તે બાબત ગુજરાતના યુવાનો સાથે અન્યાય સમાન છે. જેથી તત્કાલીક વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથધરવામાં આવે અને રાજ્યના યુવાનોના ભવિષ્યને અંધકારમય બનતુ અટકાવવામાં આવે તે જરૂરી છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 9 જુન 2021 નાં રોજ પરિપત્ર બહાર પાડીને T.E.T. પ્રમાણપત્રની વેલિડિટી આજીવન કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આ વેલિડિટી માત્ર પાંચ વર્ષની છે. રાજ્ય સરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં ન આવતી હોવાથી અનેક ઉમેદવારો આ વેલિડિટી મર્યાદાના કારણે ભરતીમાં ભાગ લઈ શકતા નથી અને તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય તેમ છે. જેથી ગુજરાતના યુવાનોના ભવિષ્યને ધ્યામાં લઈને આ વેલિડીટી આજીવન કરવામાં આવે તે જરૂરી છે.