નકલી વેબસાઈટથી સસ્તા ભાવે ઈ-બાઇક બુકિંગના નામે ઠગાઈ: 7 દિવસમાં વાહન ઘરે મોકલી આપવાની અને ડિસ્કાઉન્ટની લાલચ આપી, સાયબર ઠગોએ ગ્રાહકો પાસેથી ₹ 1.76 લાખ પડાવ્યાગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગ વચ્ચે સાયબર ઠગોએ હવે ગ્રાહકોને છેતરવાનો નવો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરની ‘અવોર ઇલેક્ટ્રીક’ કંપનીના નામે બોગસ વેબસાઈટ તથા સોશિયલ મીડિયા પેજ બનાવી ગ્રાહકોને આકર્ષક સ્કીમ આપી માત્ર સાત જ દિવસમાં ઈ-બાઇકની ડિલિવરી આપવાની ગેરંટી આપી ₹1.76 લાખની ઠગાઈઆચરવામાં આવતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અવોર ઇલેક્ટ્રીકના ઈ-બાઈકની જાહેરાત આપવામાં આવી હતી
અડાલજના અંબા બિઝનેસ પાર્કમાં માર્કેટિંગ ઓફિસ ધરાવતી છત્રાલ સ્થિત અવોર ઇલેક્ટ્રીક કંપનીના રીજનલ સર્વિસ મેનેજર જય રજનીકાંતભાઈ પટેલની ફરિયાદ મુજબ, કંપની દ્વારા પોતાના ઈ-બાઇકના પ્રિ-બુકિંગ માટે અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જાહેરાતો આપવામાં આવી હતી. આ દરમિયાન 18 ઓગસ્ટના રોજ કંપનીના કસ્ટમર કેર નંબર પર કેટલાક ગ્રાહકોના ફોન આવ્યા હતા.7 દિવસમાં વાહનની ડિલિવરીની ગ્રાહકોએ કંપનીમાં પૂછપરછ કરી
જેમાં તેઓએ સાત દિવસમાં ડિલિવરી આપવાની સ્કીમ અને સેલ્સએક્ઝિક્યુટિવ દ્વારા માંગવામાં આવતા વધારાના નાણાં અંગે પૂછપરછ કરી હતી. આ સાંભળી અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. કંપનીએ આવી કોઈ સ્કીમ બહાર પાડી ન હોવાથી તુરંત તપાસ શરૂ કરવામાં આવી હતી. અને ગ્રાહકો પાસેથી મળતી તબક્કવાર માહિતીના આધારે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ભેજાબાજોએ મૂળ કંપનીની અધિકૃત વેબસાઇટ જેવી જ દેખાતી બે ફેક વેબસાઇટ્સ બનાવી હતી.
ડિસ્કાઉન્ટની લાલચ આપી ઓનલાઈન બુકિંગ કરાવતા
આ ઉપરાંત ફેસબુક પર પણ અવોર ઇલેક્ટ્રિકના નામે ચાર અલગ-અલગ નકલી પ્રોફાઈલ પેજ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્લેટફોર્મ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવાની લોભામણી જાહેરાતો મૂકીને ગ્રાહકોને ઓનલાઇન બુકિંગ કરવા આકર્ષિત કરવામાં આવતા હતા. ભેજાબાજ ઠગોએ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ સાત દિવસમાં વાહન ઘેર પહોંચાડી દેવાની ખાતરી આપી હતી.
ગ્રાહકોને QR કોડ મોકલી 1.76 લાખ રુપિયા પડાવ્યા ઉપરાંત બુકિંગ રકમ મેળવવા 9051074938,8481884461, 9309763359 વધુ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરી ગ્રાહકોને QR કોડ મોકલ્યા હતા અને તેના મારફતે અલગ-અલગ ગ્રાહકો પાસેથી રુપિયા 1,76,396 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ વાહનની ડિલિવરી ન મળતા અને વધુ નાણાંની માગણી થતા ગ્રાહકોએ કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર સેલની મદદથી નકલી વેબસાઇટ્સ, ફેસબુક એકાઉન્ટ હોસ્ટ કરનારા તથા બેંક ખાતાધારકોની માહિતી મેળવવા કવાયત શરૂ કરી છે.
