સપ્ટેમ્બરના અંત સુધી વેરો ભરવા મનપાનું અલ્ટિમેટમ: ગાંધીનગરમાં ઓક્ટોબરથી બાકી મિલકતવેરા વસૂલાત માટે સીલિંગ અને કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ થશેગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા ચાલુ વર્ષના બાકી વેરાની વસૂલાત માટે ઓક્ટોબર માસની શરૂઆતથી જ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી અંતર્ગત વેરો ન ભરનાર બિન-રહેણાંક મિલકતોમાં સીલિંગ અને ટાંચ જપ્તી કરવામાં આવશે, જ્યારે રહેણાંક મિલકતોના કિસ્સામાં ગટર તેમજ પાણીના કનેક્શન કાપવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.ચાલુ વર્ષના બાકીદારોને મિલકતવેરો ભરવા માટે સપ્ટેમ્બર માસના અંત સુધીની છેલ્લી સમયમર્યાદા આપવામાં આવી છે.
પાણી અને ગટરના કનેક્શન કાપવાની સીધી જ કાર્યવાહી આ સમયગાળો પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષના મિલકતવેરા બિલને જ આખરી નોટિસ ગણીને મિલકતોને જપ્તીમાં લેવાની તેમજ પાણી અને ગટરના કનેક્શન કાપવાની કાર્યવાહી સીધી જ અમલમાં મૂકવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાની વસૂલાતમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં કુલ 1,18,989 કરદાતાઓ પાસેથી રૂપિયા 57.85 કરોડનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
130 મિલકતો સીલ કરીને 66 લાખ જેટલો બાકી વેરો વસૂલાયો
આ વસૂલાતમાં નાગરિકો દ્વારા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં 77,361 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી રૂપિયા 32.64 કરોડનો વેરો ભર્યો છે, જે કુલ વસૂલાતના 56.42 ટકા જેટલો થાય છે. જ્યારે 41,628 કરદાતાઓએ ઓફલાઈન માધ્યમથી 25.21 કરોડનો વેરો જમા કરાવ્યો છે, જે 43.58 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગત વર્ષના જેબાકીદારોએ સમયમર્યાદામાં વેરો ભરપાઈ નહોતો કર્યો, તેમની સામે કડક કાર્યવાહી કરતા મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 130 મિલકતો સીલ કરીને રૂપિયા 66 લાખ જેટલો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
કોઈ કરદાતાને હજુ સુધી બિલ ન મળ્યું હોય તો વેબસાઈટ પરથી મેળવી શકો
આગામી સમયમાં આવા ગત વર્ષના બાકીદારો પાસેથી વેરો વસૂલ કરવા માટે આ સીલિંગની ઝુંબેશને વધુ સઘન અને આકરી બનાવવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાના બિલો ઇન્ડિયા પોસ્ટ મારફતે વિતરિત કરવામાં આવ્યા છે. જો કોઈ કરદાતાને હજુ સુધી બિલ ન મળ્યું હોય તો તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ gandhinagarmunicipal.com પરથી અથવા પોતાની નજીકની જનસેવા કચેરી ખાતેથી બિલ સરળતાથી મેળવી શકે છે.
