જાપાનના નાગોયા શહેરમાં 8 સપ્ટેમ્બરે ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. નાગોયા હવામાન મથકના આંકડા અનુસાર, એક કલાકમાં 104.5 મિમી વરસાદ નોંધાયો હતો. જાપાનની હવામાન એજન્સી (JMA)ના રેકોર્ડ મુજબ આ 1890માં રેકોર્ડ શરૂ થયા બાદ નાગોયામાં એક કલાકમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. અગાઉનો સપ્ટેમ્બરનો એક કલાકનો રેકોર્ડ 97 મિમી હતો, જે 2000ના ‘તોકાઈ હેવી રેઇન’ દરમિયાન નોંધાયો હતો.ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. રેલવે અને સબવે સેવાઓને પણ રોકવી પડી હતી, જેના કારણે સાંજના સમયે ઘરે પરત ફરી રહેલા અનેક લોકો રસ્તામાં અટવાઈ ગયા હતા.
એક કલાકમાં 104.5 મિમી વરસાદથી નવો રેકોર્ડ
નાગોયામાં 8 સપ્ટેમ્બરે બપોરથી વરસાદે જોર પકડ્યું હતું. સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 વાગ્યા સુધીના એક કલાકમાં 104.5 મિમી વરસાદ નોંધાયો હતો. આ આંકડો માત્ર ભારે વરસાદ નહીં, પરંતુ શહેરના લાંબા સમયના હવામાન રેકોર્ડમાં નવો ઐતિહાસિક રેકોર્ડ છે. JMAના આંકડા મુજબ અગાઉનો એક કલાકનો સૌથી મોટો વરસાદ 97 મિમી હતો, જે 11 સપ્ટેમ્બર 2000ના રોજ નોંધાયો હતો. જાપાનના હવામાન નિષ્ણાતો મુજબ ગરમ અને ભેજવાળી હવા તથા વરસાદી સિસ્ટમના કારણે વરસાદી વાદળો ઝડપથી વિકસ્યા હતા. નાગોયા અને આસપાસના વિસ્તારોમાં લિનિયર રેઇનબેન્ડ જેવી સ્થિતિ પણ જોવા મળી હતી, જેમાં એક જ વિસ્તારમાં સતત ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
