મહાકાલની નગરી ઉજ્જૈનમાં અત્યારે વિજ્ઞાન VS આસ્થાની ચર્ચા છે કેમ કે મંદિર તોડી પાડવામાં આવ્યું. JCB આવ્યું, હથોડા ચાલ્યા અને ક્રેન પણ આવી પરંતુ ખડા હનુમાનની પ્રાચીન પ્રતિમા એક ઈંચ પણ હલી નહીં! ચાર-ચાર વખત પ્રતિમા હટાવવાનો પ્રયાસ થયો. પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો હવે ભક્તો તેને બજરંગબલીનો ચમત્કાર ગણાવી રહ્યા છે. તો પ્રશાસન વૈજ્ઞાનિક કારણ શોધવા માટે IITની મદદ લઈ રહ્યું છે.આખરે શું છે આ રહસ્ય? જોઈએ આ ખાસ અહેવાલમાં..
મહાકાલની નગરીમાં શું હનુમાનજીએ ચમત્કાર કરી દીધો છે?
શું વિજ્ઞાન નિષ્ફળ ગયું…અને આસ્થા જીતી ગઈ છે?
ઉજ્જૈનમાં બજરંગબલીનો ચમત્કાર
હનુમાનજીની પ્રતિમા એક ઈંચ પણ ન હલી
વિજ્ઞાન સામે આસ્થા, શું છે રહસ્ય?
ચાર પ્રયાસ છતાં હનુમાનજી અડગ
મંદિર તૂટ્યું, પ્રતિમા યથાવત
આ ચોંકાવનારી કહાની અને આ દાવા સામે આવ્યા છે મહાકાલની નગરી ઉજ્જૈનમાં. જ્યાં પ્રસિદ્ધ ખડા હનુમાન મંદિર સાથે જોડાયેલા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચમત્કારના દાવા કરવામાં આવી રહ્યા છે. કારણ કે છેલ્લા 10 દિવસથી પ્રતિમાને હટાવવાના અલગ- અલગ પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ હનુમાનજીની આ મૂર્તિ પોતાની જગ્યાએથી હલી પણ નહીં. હકીકતમાં રસ્તો પહોળો કરવાના કારણે આ મંદિર અને પ્રતિમાને હટાવવાની હતી.પરંતુ પ્રશાસન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. મંદિર અને તેનું માળખું ભલે તોડી પાડવામાં આવ્યું હોય. પરંતુ પ્રતિમાને હટાવી શકાઈ નથી. હવે સ્થાનિક લોકો, પૂજારી અને હિન્દુ સંગઠનો તેને ભગવાનનો સંકેત અને ચમત્કાર માની રહ્યા છે. આ મામલે હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું.
4-5 સપ્ટેમ્બરે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નગર નિગમની ટીમે મજૂરો સાથે મળીને મંદિરનું માળખું તોડી પાડ્યું. પહેલા દિવસે JCB અને ટ્રેક્ટરની મદદથી સ્ટ્રક્ચર હટાવવામાં આવ્યું. ત્યાર બાદ પ્રાચીન પ્રતિમાને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ પ્રતિમા હલી નહીં. બીજા દિવસે ક્રેનની મદદથી પણ પ્રતિમાને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ માટે ફૂલો સજાવેલી ક્રેન પણ લાવવામાં આવી પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. ત્યાર બાદ મજૂરોએ હથોડા પણ ચલાવ્યા. પરંતુ તેમ છતાં પ્રતિમાને હલાવી શકાઈ નહીં.
પુરાતત્વ વિભાગની ટીમોને પણ ખાસ બોલાવવામાં આવી પરંતુ તેમ છતાં હનુમાનજીને હટાવી શકાયા નહીં. ભક્તો માટે આ માત્ર મંદિર કે પ્રતિમાને હટાવવાનો મામલો નથી. અહીં ઉભા હનુમાનને ‘ડોક્ટર હનુમાન’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ મંદિરને ઘણા લોકો ઉજ્જૈનનું AIIMS પણ કહે છે…
માન્યતા છે કે અહીં બાળકો અને બીમાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે પ્રતિમાને હટાવવાનો પ્રયાસ થયો ત્યારે લોકો ભાવુક થઈ ગયા હતા અને હવે મોટી સંખ્યામાં લોકો આ કહેવાતા ચમત્કારને જોવા માટે અહીં પહોંચી રહ્યા છે.
હકીકતમાં આ પ્રતિમા અનેક હજાર વર્ષ જૂની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રતિમાની ઊંડાઈ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં પ્રતિમાને નુકસાન થવાની આશંકા છે. તેથી પ્રશાસને સાવચેતી રાખીને હાલ કામગીરી અટકાવી દીધી છે.
હકીકતમાં રસ્તાના પહોળો કરવાના કારણે પ્રતિમાને હટાવવાની હતી અને શરૂઆતમાં મંદિર સમિતિ અને પ્રશાસન વચ્ચે પ્રતિમાને અન્ય સ્થળે સ્થાપિત કરવા અંગે સહમતી પણ બની હતી. સમિતિના જણાવ્યા અનુસાર પ્રશાસને અન્ય સ્થળે જમીન પણ ફાળવી હતી અને ત્યાં મંદિરના નિર્માણની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

