ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

Spread the love

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર પર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સાથોસાથ મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. આ ત્રિવેણી સિસ્ટમોના પ્રભાવ હેઠળ આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા રહેલી છે.

આ નવી સિસ્ટમોની અસર હેઠળ આજે 9 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લાંબા સમય પછી મેઘમહેર જોવા મળી હતી.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધ્રોલના ઇટારા અને હમાપર જેવાં ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતાં ગામની શેરીઓમાં પાણીના વહેણ શરૂ થઈ ગયાં હતાં. આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં પણ બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

સાવરકુંડલાના ખડસલી ગામમાં મુશળધાર વરસાદ વરસતાં માર્ગો જળબંબાકાર બન્યા હતા. બીજી તરફ ભાવનગરના મહુવા શહેર અને તેના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો, જેમાં ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર અને કુંભારવાડા સહિતના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતાં ખેતરોમાં ઊભા મોલ મુરઝાઈ રહ્યા હતા, પરંતુ આ વરસાદી ઝાપટાંથી સૂકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે અને ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે:

12 સપ્ટેમ્બર: દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વિશેષ રહેશે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ અપાયું છે.

13 સપ્ટેમ્બર: વરસાદનો વ્યાપ વધીને સૌરાષ્ટ્ર તથા ઉત્તર-મધ્ય ગુજરાત સુધી પહોંચશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે.

14 સપ્ટેમ્બર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પંથકોમાં ભારે વરસાદની આશંકા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં તંત્રને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *