ગુજરાત વિધાનસભામાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને પશુ આહાર નિયંત્રણ વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે, જેના હેઠળ રાજ્યમાં પશુ અને મરઘા આહાર માટે ગુણવત્તાના નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ નવા કાયદા અનુસાર હવે પશુ આહારના ઉત્પાદન અને વેચાણ માટે લાઇસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે તેમજ પશુ આહારમાં ભેળસેળ જેવા ગંભીર ગુના આચરનાર ઈસમો સામે કડક પગલાંરૂપે 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરાઈ છે.
ગુજરાત સરકારે પશુપાલકોના હિત અને પશુધન તથા મરઘા-પક્ષીઓની સુરક્ષા માટે એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પશુ આહારની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો અને બજારમાં ચાલતી ભેળસેળ તથા ભ્રામક પ્રથાઓ પર કડક લગામ કસવાનો છે. નવા કાયદાની જોગવાઈઓ મુજબ, હવે રાજ્યમાં તમામ પ્રકારના પશુ અને પોલ્ટ્રી ફીડના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ માટે લાઇસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાયદો માત્ર સ્થાનિક ઉત્પાદકોને જ નહીં, પરંતુ ગુજરાત બહારથી આવતા તથા વિદેશથી આયાત થતા ફીડને પણ લાગુ પડશે. ઉત્પાદકો માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અને ICARના ધોરણોનું પાલન કરવું અનિવાર્ય રહેશે, તેમજ ફીડમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધિત એન્ટિબાયોટિક્સ કે હાનિકારક સક્રિય પદાર્થોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર દ્વારા અત્યંત કડક દંડાત્મક અને ફોજદારી પગલાં લેવામાં આવશે. સબ-સ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ ફીડ વેચવા બદલ લાખો રૂપિયાના દંડ અને લાઇસન્સ સસ્પેન્શનની જોગવાઈ છે. જો ફીડમાં ભેળસેળના કારણે પશુ કે પક્ષીનું મૃત્યુ થાય, તો દોષિતો સામે સૌથી કડક સજા તરીકે 7 થી 10 વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીના દંડ સાથે લાઇસન્સ કાયમ માટે રદ કરવાની જોગવાઈ કરાઈ છે. જો કે, ખેડૂતો દ્વારા પોતાના પશુઓ માટે તૈયાર કરાતા ફીડ અને શૈક્ષણિક સંશોધનોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.
