કચ્છમાં ગેરકાયદે ખનન પકડવા ગયેલા IAS અધિકારીની ટીમ પર પથ્થરમારો

Spread the love

લખપતમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી સરકારી ટીમ પર હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે. લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે ખનિજ ચોરીની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલા નખત્રાણાના મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી IAS ઉત્કર્ષ ઉજ્જવલ તથા તેમની ટીમ પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સદનસીબે પથ્થરમારામાં અધિકારી કે તેમની ટીમને કોઈ ઈજા થઈ નથી.

મળતી વિગતો મુજબ, મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે ખનિજ ચોરી થતી હોવાની બાતમી મળ્યા બાદ IAS અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ તેમના ડ્રાઇવર ભીમા હભુ રબારી સાથે સરકારી વાહનમાં સ્થળ પર પહોંચ્યા હતા. બાતમીના આધારે ટીમે ખનિજ ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થળ પર ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કેટલાક ઈસમો હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અધિકારીઓએ ખનિજ ચોરી અને તેના ટ્રાન્સપોર્ટેશન અંગેના આધાર-પુરાવા માંગતાં ત્યાં હાજર ઈસમો ઉશ્કેરાયા હતા. ફરિયાદ મુજબ, આ દરમિયાન આરોપીઓએ અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ રાજુ રબારી, લાખુભા જાડેજા તથા એક અજાણ્યા ઈસમે અધિકારી અને તેમના ડ્રાઇવર તરફ છૂટા પથ્થરો ફેંકીને હુમલો કર્યો હતો.

પથ્થરમારો થતાં ઘટનાસ્થળે થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. જોકે, સદનસીબે પથ્થરમારામાં IAS અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ કે તેમની ટીમને કોઈ ઈજા થઈ નહોતી. ફરિયાદમાં સરકારી વાહનને પણ કોઈ નુકસાન થયું ન હોવાનું જણાવાયું છે. ઘટના અંગેની અધિકારીની ટીમે સમગ્ર મામલે દયાપર મામલતદાર નવીનચંદ્ર મારુને જાણ કરી હતી. ત્યારબાદ દયાપર મામલતદારે દયાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રાજુ રબારી, લાખુભા જાડેજા અને એક અજાણ્યા ઈસમ સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂૂકાવટ, અપશબ્દો બોલવા અને પથ્થરમારો કરી હુમલો કરવા સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *