ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુંબઈમાંથી રૂ. 10 કરોડથી વધુ કિંમતના હીરાની ગેરકાયદેસર નિકાસ કરવાનો પ્રયાસ પકડી પાડ્યા બાદ એક સ્થાનિક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ કેસમાં આશિષકુમાર માણિયાની (Ashishkumar Maniya Arrested) ધરપકડ કરવામાં આવી છે. ભારત ડાયમંડ બુર્સ ખાતે અટકાવવામાં આવેલા શંકાસ્પદ Zeel Impex ના એક્સપોર્ટ કન્સાઈનમેન્ટની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી 8 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. મુંબઈ કસ્ટમ્સ ઝોન-IIIની SIIB સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન એન્ડ ઈન્ટેલિજન્સ બ્રાન્ચના અધિકારીઓએ Zeel Impex કંપની દ્વારા મોકલવામાં આવેલા કન્સાઈનમેન્ટની નિયમિત તપાસ હાથ ધરી હતી.
શિપિંગ દસ્તાવેજોમાં 61.98 કેરેટના લેબ-ગ્રોન કટ અને પોલિશ્ડ હીરા, જેની કિંમત આશરે રૂ. 5.10 લાખ દર્શાવવામાં આવી હતી. જોકે, કન્સાઈનમેન્ટની વાસ્તવિક તપાસ દરમિયાન દસ્તાવેજોમાં જાહેર કરવામાં આવેલા જથ્થા કરતાં ઘણો મોટો માલ છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.
છુપાવેલો કરોડોનો માલ ઝડપાયો
અધિકારીઓએ 6.8 કિલો વજનના ટીન બોક્સની તપાસ દરમિયાન તેમાં એક ખોટું સ્તર (ફોલ્સ-લેયર સેપરેટર) બનાવવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું હતું.
આ પાર્ટિશન હટાવ્યા બાદ તપાસકર્તાઓને બોક્સની અંદર બનાવવામાં આવેલી ગુપ્ત જગ્યામાં મોટી માત્રામાં જાહેર ન કરાયેલા હીરા, વિવિધ પ્રકારના રત્નો અને જ્વેલરી મળી આવી હતી.
જપ્ત કરાયેલા માલની કિંમત નક્કી કરવા માટે ત્રણ નિષ્ણાતોની વિશેષ વેલ્યુએશન પેનલની મદદ લેવામાં આવી હતી. પેનલે છુપાવવામાં આવેલા માલની કિંમત રૂ. 10.008 કરોડ આંકી હતી.
જાહેર કરાયેલા હીરાની કિંમત સાથે મળીને આ કન્સાઈનમેન્ટમાં કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર એક્સપોર્ટનો કુલ જથ્થો રૂ. 10.059 કરોડ થયો હતો.
તપાસ દરમિયાન અધિકારીઓને બોક્સમાં ફોલ્સ-લેયર સેપરેટર હોવાનું કથિત રીતે મળી આવ્યું હતું. આ પાર્ટિશનની નીચે બનાવવામાં આવેલી ગુપ્ત જગ્યામાં દસ્તાવેજોમાં જાહેર ન કરાયેલ કિંમતી માલ મળી આવ્યો હતો. તેમાં વિવિધ પ્રકાર અને ગ્રેડના હીરા, રત્નો તથા જ્વેલરીનો સમાવેશ થતો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કસ્ટમ્સ એક્ટની કલમ 108 હેઠળ નોંધાયેલા નિવેદનમાં માણિયાએ છુપાવવામાં આવેલા હીરા અંગે જાણકારી હોવાની કબૂલાત કરી હતી.
તપાસકર્તાઓને આપેલા નિવેદનમાં તેણે કથિત રીતે જણાવ્યું હતું કે તેને Zeel Impex ના માલિક નિશાંત માણિયાએ (Nishant Maniya) આ કામ માટે રાખ્યો હતો, જ્યારે પાર્સલ એક્સપોર્ટ સંબંધિત કામગીરી નરેશ માણિયા (Naresh Maniya) સંભાળતો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના અડતાળા ગામનો વતની નરેશ માણીયા મોટો હવાલા કિંગ છે અને હીરા પાર્સલના હવાલાનું કામ લંડન મુંબઈ જેવા શહેરોમાં કરે છે. જોકે આ આશિષકુમાર માણિયા ની ધરપકડ બાદ હવે DRI ની ટીમ દ્વારા નરેશ માણીયા અને નિશાંત માણીયાના રોલ વિષે તપાસ હાથ ધરી છે.