ગીર સોમનાથની એક બીએડ કોલેજની ગેરરીતિના પગલે સરકારે શરુ કરી તપાસ
70 કોલેજોએ NCTEની જરૂરી પ્રક્રિયા પૂરી ન કરી હોવાનો ખુલાસો
296 કોલેજોના રિપોર્ટ NCTE પોર્ટલ પર, 70 જેટલી ખાનગી બીએડ કોલેજોનો પત્તો નહીં
ખાનગી બીએડ કોલેજો અને વિવિધ યુનિવર્સિટીઓની સાંઠગાંઠ પર પણ સવાલ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની એક બીએડ (BEd ) કોલેજમાં સામે આવેલી ગેરરીતિની તપાસ હવે સમગ્ર ગુજરાતની ખાનગી બીએડ કોલેજો સુધી પહોંચી છે.તપાસ દરમિયાન રાજ્યની લગભગ 70 ખાનગી બીએડ કોલેજોએ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની (NCTE) જરૂરી મંજૂરી સંબંધિત વેરિફિકેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાનું સામે આવ્યું છે. આ કોલેજોમાં આશરે 8,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
શિક્ષણ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 366 બીએડ કોલેજો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે NCTEએ સંખ્યાબંધ ખાનગી બીએડ કોલેજોને મંજૂરી આપી હતી અને આ કોલેજોએ કાઉન્સિલને વેરિફિકેશન અને કન્ફર્મેશન રિપોર્ટ રજૂ કરવાના હતા. જોકે NCTEના પોર્ટલ પર 296 કોલેજોના રિપોર્ટ ઉપલબ્ધ છે, જ્યારે લગભગ 70 ખાનગી કોલેજોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી.
આ સમગ્ર તપાસની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલી શ્રીમતી વનિતાબેન બચુભાઈ નંદોલા બીએડ કોલેજની મંજૂરીમાં સામે આવેલી ગેરરીતિઓથી થઈ હતી. ત્યારબાદ મામલો રાજ્યની અન્ય ખાનગી બીએડ કોલેજો સુધી પહોંચ્યો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણાએ કોલેજોને પત્ર લખીને બાકી રહેલી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા અને જરૂરી રિપોર્ટ શક્ય તેટલી વહેલી તકે NCTE સમક્ષ રજૂ કરવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
બીએડ કોલેજો સાથે સંકળાયેલા શિક્ષણવિદોએ આ સમગ્ર મામલાથી કોલેજો અને યુનિવર્સિટીઓ વચ્ચેના નેકસસ પર પણ સવાલ ઊભા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
સેલ્ફ ફાઇનાન્સ્ડ બીએડ, MEd કોલેજ મેનેજમેન્ટ એસોસિયેશનના સેક્રેટરી દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે માત્ર ફરજિયાત NCTE મંજૂરી ધરાવતી કોલેજોને જ યુનિવર્સિટી સંલગ્નતા આપી શકાય છે. યુનિવર્સિટીઓ પાસે સ્થાનિક તપાસ સમિતિ પણ હોય છે, જે કોલેજોની મુલાકાત લઈને સંસ્થા તમામ માપદંડો પૂર્ણ કરે છે કે નહીં તેની ચકાસણી કરે છે. જો કોઈ યુનિવર્સિટીએ માન્ય NCTE મંજૂરી છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર બીએડ કોલેજોને સંલગ્નતા આપી હોય, તો યુનિવર્સિટીને પણ આ મામલે એટલી જ જવાબદાર ગણાવી શકાય.
દરમિયાન, આ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ચૂક્યા હોવાથી સરકારનું તાત્કાલિક ધ્યાન બાકી રહેલી તમામ ઔપચારિકતાઓ ઝડપથી પૂર્ણ કરાવવા પર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે, કારણ કે આશરે 8,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોલેજોની નિયમનકારી સ્થિતિને લઈને ઊભી થયેલી ચિંતાઓ અને તેની વિદ્યાર્થીઓ પર પડી શકે તેવી સંભવિત અસર વચ્ચે સમગ્ર મામલાની નજીકથી દેખરેખ રાખી રહી છે.