ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પાંચ વર્ષના ગાળામાં રાજ્ય સરકારે જન આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત, સુલભ અને આધુનિક ટેક્નોલૉજી આધારિત સેવાઓનો વ્યાપ વધારીને સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આરોગ્ય ક્ષેત્રે જે પરિવર્તનકારી પહેલો શરૂ કરી હતી, તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ વર્તમાન સરકારે કર્યું છે.PMJAY-MA હેઠળ કવરેજ બમણું, વિદ્યાર્થીઓને ડિજિટલ કાર્ડ આપનાર દેશનું પ્રથમ રાજ્ય
રાજ્ય સરકારે નાગરિકોને મોટી તબીબી આફતો સમયે આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ’ (PMJAY-MA) હેઠળ મળતી સહાયની રકમ રૂપિયા 5 લાખથી સીધી વધારીને 10 લાખ કરી દીધી છે. અત્યારસુધીમાં રાજ્યના 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપીને કવર કરવામાં આવ્યા છે. આ સિવાય આરોગ્ય અને ટેક્નોલોજીના સમન્વયથી ગુજરાતે દેશમાં વધુ એક ઈતિહાસ રચ્યો છે. શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું ગુજરાત સમગ્ર દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. અત્યારસુધીમાં 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
માતૃ-બાળ કલ્યાણ અને 99.97% સંસ્થાકીય ડિલિવરીનો રાષ્ટ્રીય બેન્ચમાર્ક
માતૃત્વ અને બાળ આરોગ્ય સુધારવાની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યમાં સંસ્થાકીય ડિલિવરી (Institutional Delivery)નો દર 99.97% સુધી પહોંચ્યો છે, જે સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય બેન્ચમાર્ક બની ગયો છે.
નમોશ્રી યોજના: આ યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓને કુલ રૂપિયા 540 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
મિશન ઇન્દ્રધનુષ: સઘન રસીકરણ અભિયાન હેઠળ રાજ્યમાં 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.
સ્વસ્થ ગુજરાત અભિયાન અને ટીબી મુક્ત ભારત પહેલ
નાગરિકોના રોજિંદા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે “વર્લ્ડ ઓબેસિટી ડે” નિમિત્તે રાજ્યવ્યાપી “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 31,021 નિક્ષયમિત્રનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને દર્દીઓને પૌષ્ટિક આહાર મળે તે માટે 5,76,344 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AIIMS અને 108 ઈમરજન્સી સેવાઓનું વિસ્તરણ
આરોગ્ય ક્ષેત્રે ટેક્નોલોજીના ઉપયોગમાં ગુજરાત હંમેશાં આગળ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે AIIMSનું ઉદ્ઘાટન થવાથી રાજ્યમાં ઉચ્ચસ્તરીય સારવાર સુલભ બની છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમામ આરોગ્ય સેવાઓનું એક જ જગ્યાએથી મોનિટરિંગ થાય તે માટે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ કાર્યરત કરાયું છે. 108 ઈમરજન્સી સેવા હેઠળ 617 નવી એમ્બ્યુલન્સ જોડવામાં આવી છે, જેનાથી રાજ્યમાં 108 એમ્બ્યુલન્સનો કાફલો વધીને 1,455 થયો છે.
દેશમાં પ્રથમ: ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ
આદિવાસી વિસ્તારોના નાગરિકોને જન્મજાત અને આનુવંશિક રોગોથી બચાવવા માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રોજેક્ટથી વનબંધુ વિસ્તારોમાં રોગોનું યોગ્ય સમયસર નિદાન અને વૈજ્ઞાનિક સંશોધનને મોટો વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૫ વર્ષના કાર્યકાળમાં લેવાયેલા આ જનહિતકારી નિર્ણયોએ ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે દેશનું રોલ મોડેલ બનાવ્યું છે.
