અમરેલી જિલ્લાભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને રાખીને મોટા પગલાં લેવામાં આવ્યા છે. હવામાનમાં અચાનક આવેલા પલટા અને દરિયામાં સર્જાયેલી હલચલને પગલે અમરેલીના પ્રખ્યાત જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં વરસાદની તીવ્રતા વધી રહી છે ત્યારે દરિયાઈ ક્ષેત્રમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તંત્ર દ્વારા સમગ્ર દરિયાકાંઠાના બેલ્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે.હવામાન વિભાગ અને તંત્ર દ્વારા વ્યક્ત કરાયેલી શક્યતા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અમરેલીના સમગ્ર દરિયાઈ કોસ્ટલ બેલ્ટ પર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, તેમજ વરસાદનું જોર પણ વધી શકે છે. આ ઉપરાંત દરિયામાં કરંટ વધવાને કારણે ‘હાઈ ટાઈડ’ (દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સ્થિતિ) સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. ખરાબ હવામાન અને પવનની તીવ્રતાને કારણે દરિયામાં ભારે અશાંતિ જોવા મળી રહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અને સ્થાનિક તંત્ર એલર્ટ
દરિયામાં સર્જાયેલી આ ગંભીર પરિસ્થિતિને પગલે બંદર તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક અસરથી દરિયો ન ખેડવા માટે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. જે માછીમારો બોટ લઈને દરિયામાં ગયા હતા તેમને પણ સુરક્ષિત રીતે કિનારે પરત ફરી જવા અથવા નજીકના બંદરે આશરો લેવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારો અને નીચાણવાળા ભાગો પર સ્થાનિક તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
