શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મિત્રતા અને વિશ્વાસને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સખીના ઘરમાં રાખેલા લાખો રૂપિયાના દાગીના જોઈને નિયત બગડતાં, યુવતીએ યેનકેન પ્રકારે ઘરના તાળાની બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, અમરાઇવાડી પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી યુવતીની ધરપકડ કરી છે અને તમામ ચોરી થયેલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.7 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાંથી ગત 11મી તારીખે આશરે ₹7 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ મળતાં જ પોલીસે તુરંત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને શિવાંગી જેસર નામની યુવતી પર શંકા ગઈ હતી, જે ફરિયાદીના ઘર નજીક ભાડેથી ઓફિસ રાખીને સિરામિકનો ધંધો કરતી હતી. પોલીસે શિવાંગીની કડક પૂછપરછ કરતાં આખી ચોરીનો પર્દાફાશ થયો હતો.
ફરિયાદીએ વિશ્વાસમાં આવી પોતાના દાગીના બતાવ્યા
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, શિવાંગીની ઓફિસ નજીક હોવાથી ફરિયાદી યુવતી સાથે તેની સરસ મિત્રતા થઈ હતી. થોડા દિવસો પહેલાં જ્યારે શિવાંગી ફરિયાદીના ઘરે ગઈ હતી, ત્યારે વિશ્વાસમાં આવીને ફરિયાદીએ પોતાના તમામ સોના-ચાંદીના દાગીના તેને બતાવ્યા હતા. દાગીના જોતાં જ શિવાંગીના મનમાં લાલચ જાગી હતી અને તેણે ચોરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ઓફિસને તાળું મારવા તાળું લીધું ને ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી
આ પ્લાન મુજબ શિવાંગીએ પોતાની ઓફિસને લોક મારવાના બહાને ફરિયાદી પાસેથી બે કલાક માટે તેમના ઘરનું તાળું માંગ્યું હતું. આ સમય દરમિયાન તેણે તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી અને તાળું પરત આપી દીધું હતું. ત્યારબાદ જેવી જ ફરિયાદી યુવતી ઘરે તાળું મારીને બહાર ગઈ, કે તુરંત જ શિવાંગીએ બનાવટી ચાવીથી લોક ખોલીને અંદરથી લાખોના દાગીના સરકાવી લીધા હતા.
પોલીસે આરોપીની ધરપકડ ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો
હાલમાં અમરાઇવાડી પોલીસે આરોપી શિવાંગી જેસરની ધરપકડ કરીને તેની પાસેથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં માત્ર લાલચમાં આવીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ગુના પાછળ અન્ય કોઈ કારણ કે સાથીદાર છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે