10 સેકન્ડની મજા, પણ જોખમ આખી જિંદગીનું! AIને ફોટો આપતા પહેલાં આ વાત જાણી લો

Spread the love

તમે ભલે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ હોય કે પછી માંડ થોડીક જ મિનિટ સોશિયલ મીડિયા પોસ્ટ જોતા હોય, પરંતુ તમે 1980ના દાયકાની તસવીરોના ટ્રેન્ડથી તો વાકેફ જ હશો. કોઈની દેખાદેખીમાં, કંઈક નવું જોવાના કુતૂહલથી કે પછી બસ એમ જ મજાક-મસ્તીમાં તમે કે તમારા મિત્રોએ પણ આ ટ્રેન્ડ મુજબ ફોટા અપલોડ કર્યા હશે. તમે વિચારતા હશો કે, આ તો એક ફોટો જ છે.

એક ચહેરો, એક સ્મિત અને તમારી દસ સેકન્ડની જ જરૂર પડે છે.

જ્યારે તમે તમારા ફોનમાં કોઈ એપ કે ફિલ્ટર ડાઉનલોડ કરો છો, એમાં ફોટો મૂકો છે, ત્યારે તમને લાગે છે કે બસ ફોનમાં જ કંઈક જાદુ થઈ ગયો, પણ એવું નથી હોતું. તમારો એ ફોટો ઇન્ટરનેટ દ્વારા સેંકડો કિલોમીટર દૂર કોઈ મોટી કંપનીના મોટા કમ્પ્યુટરમાં જાય છે. ત્યાં મોટા-મોટા સુપર કોમ્પ્યુટર્સ સેકન્ડના 100મા ભાગમાં તમારા ચહેરાની એકેએક ડિટેઇલ સ્કેન કરી લે છે અને પછી તમને એ સાવ અલગ ફોટો પાછો મોકલે છે. જે જોઈને તમે ખુશ થઈ જાવ છો.

 

મૂળ વાત એ છે કે, તમે અજાણ્યા લોકોને તમારો ચહેરો આપી દો છે. જેના બદલામાં બીજો ફોટો મેળવો છે. જે કદાચ એક મહિના પછી કોઈને યાદ પણ નહીં રહે. હવે, સવાલ એ થાય છે કે, તમે જે ફોટો આપ્યો હતો એનું શું થાય છે ? આ સવાલ વ્યાજબી છે, કેમ કે તમારા ચહેરાનો ફોટો એ માત્ર એક સામાન્ય તસવીર નથી. એ એક બાયોમેટ્રિક ડેટા છે, બરાબર તમારી આંગળીની છાપ કે આંખના સ્કેન જેટલો જ મહત્ત્વનો છે. ખોટા લોકોના હાથમાં આ ડેટા જાય ત્યારે એનો ઉપયોગ તમારી સાથે જ છેતરપિંડી કરવા માટે થાય છે.

આ તસવીરોનો ઉપયોગ માત્ર તમારો ચહેરો સુંદર દેખાડવા માટે જ થતો નથી. તમે જ્યારે સેલ્ફી અપલોડ કરો છો, ત્યારે એ તસવીરનો ઉપયોગ કમ્પ્યુટરને ચહેરો ઓળખતા શીખવવા માટે થઈ શકે છે. એટલે કે, તમે આપેલી સેલ્ફી જોઈને કમ્પ્યુટર માણસનો ચહેરો કેવી રીતે ઓળખવો તે શીખી શકે છે. જેમ આપણે કોઈને જોઈને ઓળખીએ છીએ કે આ વ્યક્તિ કોણ છે, તેમ કમ્પ્યુટરને પણ ચહેરો ઓળખતા શીખવવામાં આવે છે.

 

આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિના ચહેરા પર લગાવીને બનાવટી વીડિયો બનાવી શકાય છે. આને ડીપફેક કહે છે. આવી બનાવટી તસવીરો અને વીડિયોનો ઉપયોગ લોકોને છેતરવા માટે થઈ શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે મજા માટે આપેલી સેલ્ફીનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ તમને છેતરવા માટે પણ કરી શકે છે. એટલે કે, કોઈ ગુના માટે તમારા ચહેરાનો ઉપયોગ થઈ શકે છે. પોલીસ તો ચહેરાને જ શોધતી હોય છે, પરંતુ ગુનેગારો તમારો ચહેરો લગાવીને પણ ગુનાઓ કરી શકે છે.

બધા લોકોને પરફેક્ટ ફોટો જોઈતો હોય છે. એના માટે તેઓ એક ફોટો અપલોડ કરે. એ ના ગમે એટલે બીજો ફોટો અપલોડ કરે. એંગલ બદલે, લાઇટ બદલે અને એક પછી એક પોતાની તસવીરો AIને સોંપતા જાય. પણ આ બધું કરતી વખતે એક વાત ભૂલી જાય છે. આપણે જે AIને સુંદર દેખાવા માટે ફોટા આપીએ છીએ, એ જ AIને આપણે આપણા ચહેરાની વધુને વધુ માહિતી આપી રહ્યા છીએ. આ સીધું પ્રાઈવસીનું જોખમ છે. કારણ કે તમારા ચહેરાની માહિતીનો દુરુપયોગ થાય તો ઓળખની ચોરીનું જોખમ વધી શકે છે. અને સૌથી મોટો સવાલ એ છે કે એકવાર તમારો ડેટા AI સિસ્ટમમાં જતો રહે, પછી એ સંપૂર્ણપણે ડિલીટ થઈ ગયો છે કે નહીં, એની ખાતરી કોણ આપશે?

 

AIને તમારી પાસેથી માહિતી ચોરવાની પણ જરૂર નથી પડી. તમે પોતે જ બધું આપી દીધું છે. દરેક નવો ટ્રેન્ડ આપણને અંગત માહિતી AIને સોંપવાની ટેવ પાડી રહ્યો છે. એટલે જ અપલોડનું બટન દબાવતા પહેલાં પોતાની જાતને સવાલ પૂછજો કે, આ ફોટો કોણ સાચવી રહ્યું છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *