આખા દેશમાં આજની સવારની શરૂઆત ઢોલ નગારાના નાદ સાથે થઈ, અગરબત્તીની સુગંધ ફેલાઈ ગઈ, અને ચારેકોર અવાજ ગૂંજી રહ્યો છે કે, ગણપતિ બાપ્પા મોરિયા.
આપણા સૌના આંગણે બાપ્પા પધાર્યા છે. તેઓ રિદ્ધિ સિદ્ધિના દાતા છે. તેમના આશીર્વાદથી જ્ઞાન, વૈભવ અને સફળતા એમ બધું જ સરળતાથી મળી જાય છે. એટલે જ તેમના પંડાલ પણ શાનદાર હોય છે.
શાનદાર પંડાલની વાત નીકળી છે તો અમે તમને સીધા મુંબઈના કિંગ્સ સર્કલના એક પંડાલમાં લઈ જઈશું. અહીંના ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળના ગણેશ પંડાલની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે.
આ વખતે ગૌડ સરસ્વત બ્રાહ્મણ સેવા મંડળનો આ 72મો ગણેશોત્સવ છે, પણ આજે અહીં જે દૃશ્ય જોવા મળ્યું છે એ જોઈને રોમાંચ પણ થઈ જાય અને સાથે જ ભક્તિભાવથી આંખો પણ ભીની થઈ જાય. જરા કલ્પના તો કરો કે, મહાગણપતિની આ દિવ્ય મૂર્તિ પર ભક્તોએ શું-શું નથી અર્પણ કર્યું? 66 કિલો શુદ્ધ સોનું, 335 કિલો ચાંદી અને અમૂલ્ય રત્નોથી બાપ્પાની મૂર્તિને સજાવવામાં આવી છે. પણ આ માત્ર સોનું કે ચાંદી વિશેષતા નથી, પેઢીઓથી ચાલતી આવતી અતૂટ શ્રદ્ધાના લીધે ભક્તો અહીં આવે છે. આ મૂર્તિ માટે 703.27 કરોડ રૂપિયાનું રેકોર્ડ વીમા કવચ મેળવવવામાં આવ્યું છે.
ગયા વર્ષે પણ અહીં બાપ્પાની મૂર્તિ અને પંડાલ ભવ્ય હતો. એ સમયે 69 કિલો કરતાં વધુ શુદ્ધ સોનાનાં ઘરેણાં, 336 કિલોથી વધારે ચાંદી અને બીજા કેટલાય અમૂલ્ય રત્નોથી મહાગણપતિની મૂર્તિને સજાવવામાં આવી હતી. આ મૂર્તિ માટે 474.46 કરોડ રૂપિયાનું વીમા કવચ મેળવવામાં આવ્યું હતું.
આ ગણેશ પંડાલની સાચી સુંદરતા આ સોનું કે ચાંદી નથી, તેમની સાચી સુંદરતા છે અન્નદાન. આપણા શાસ્ત્રોમાં સાચે જ કહ્યું છે કે અન્નદાન એ જ મહાદાન છે. આ પંડાલમાં દરરોજ લગભગ હજારો ભક્તોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. માત્ર પાંચ દિવસની અંદર બે લાખથી પણ વધારે લોકોને મફત ભોજન આપવામાં આવે છે અને એ પણ એકદમ કડક નિયમોનું પાલન કરીને. એટલે કે, સ્વચ્છતા અને પૌષ્ટિકતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. જ્યારે ભક્તો બાપ્પાના દર્શન કરીને અને બાપ્પાનો પ્રસાદ ગ્રહણ કરીને ઘરે પાછા જાય છે, ત્યારે તેમના ચહેરા પર સંતોષ દેખાય છે. સૌથી સરસ વાત તો એ છે કે બાપ્પાની આ મૂર્તિ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે, એટલે કે પ્રકૃતિ અને પરંપરાનો એકદમ અદ્ભુત સંગમ જોવા મળે છે.
આજે તો આખો દેશ બાપ્પાના રંગમાં રંગાઈ ગયો છે. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની પણ વાત કરવી પડે. જેને ભક્તો પ્રેમથી નવસાચા ગણપતિ કહે છે. અહીં દર્શન માટે લાઈનમાં ઊભેલા ભક્તોની આંખોમાં આંસુ હોય છે, પણ ચહેરા પર અદભુત શાંતિ હોય છે; કારણ કે તેમને પાક્કો વિશ્વાસ હોય છે કે બાપ્પા તેમની દરેક મનોકામના ચોક્કસ પૂરી કરશે. હવે જરા પુણે થઈને આવીએ, જ્યાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ બિરાજે છે. 1896થી આ પરંપરા ચાલી રહી છે.
દેશના દરેક પંડાલની અલગ ઓળખ છે, પણ દરેક ભક્તની આસ્થા એક જ છે. ગણેશચતુર્થી પર અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમારા ઘરમાં, તમારા પરિવારમાં અને આખા દેશમાં બાપ્પાની કૃપા હંમેશાં રહે, સાથે જ તમારા જીવનના બધા જ વિઘ્નો દૂર થાય અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થાય.
