પત્ની ખાવામાં નાખતી હતી એવી ખતરનાક વસ્તુ કે પેરોલ પર છૂટેલા પતિએ ઘરે આવી ત્રિશૂળ ભોંકી દીધું, લાશ પાસે ત્રણ કલાક બેઠો, હત્યારાએ અગાઉ 10 મહિનાની પૌત્રી ઉપર પથ્થરનો ઘા કરી છૂંદો કરી નાખ્યો હતો

Spread the love

ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં એક ખૌફનાક હત્યાની ઘટના સામે આવી છે. અહીં આજીવન કેદની સજા ભોગવી રહેલો એક આરોપી પેરોલ પર ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પત્નીની ત્રિશૂળના ઘા મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ આરોપી લગભગ ત્રણ કલાક સુધી પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. પત્ની તેને ખાવામાં કોઈ ઝેરી કે નશીલો પદાર્થ ભેળવીને આપતી હોવાની શંકાના પગલે તેણે આ હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે.આ ઘટના મહોબા જિલ્લાના કુલપહાડ કોતવાલી વિસ્તારના રગૌલિયા બુઝુર્ગ ગામની છે. સોમવારે 50 વર્ષીય કલલન રૈકવારે પોતાની 48 વર્ષીય પત્ની પર ઘરમાં રાખેલા ત્રિશૂળથી તાબડતોડ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

હત્યા બાદ ત્રણ કલાક સુધી મૃતદેહ પાસે બેઠો રહ્યો

 

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો નહોતો. તે લગભગ ત્રણ કલાક સુધી મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. ત્યારબાદ સવારે તેણે પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

 

માહિતી મળતા જ મહોબાના એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વંદના સિંહ અને કુલપહાડ કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક અને ફીલ્ડ યુનિટે ઘટનાસ્થળની તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે આરોપી કલલન રૈકવારને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો.

 

આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ખૌફનાક

 

પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. કલલન રૈકવાર મધ્ય પ્રદેશની સતના જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. વર્ષ 2014માં તેણે મધ્ય પ્રદેશના નૌગાંવમાં પોતાની જ 10 મહિનાની માસૂમ પૌત્રીની પથ્થર વડે હત્યા કરી હતી.

 

આ ગુનામાં વર્ષ 2017માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે દર ત્રણ મહિને પેરોલ પર પોતાના ઘરે આવતો હતો.

 

પત્ની ઝેર આપતી હોવાનો હતો વહેમ

 

મહોબાના એએસપી વંદના સિંહના જણાવ્યા અનુસાર, આરોપીને પોતાની પત્ની પર શંકા હતી કે તે તેના ભોજનમાં કોઈ ઝેરી અથવા નશીલો પદાર્થ ભેળવીને આપતી હતી. આ માનસિક વહેમ અને શંકાના કારણે તેણે સોમવારે રાત્રે ઘરમાં રાખેલા ત્રિશૂળથી પત્ની પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

 

મૃતકના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે સવારે કલલને પોતે જ આ ઘટનાની જાણકારી તેમને આપી હતી. PRV મારફતે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *