ક્યાંક કિન્નરે મારી બાજી, ક્યાંક Gen-Zએ કર્યો કમાલ; 1 વોટથી પલટાઈ કિસ્મત; આ ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા

Spread the love

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માત્ર રાજકીય પક્ષોની જીત-હાર સુધી સીમિત નથી રહ્યા. આ પરિણામોમાં એવા અનેક રસપ્રદ, ચોંકાવનારા અને ભાવુક કરનારા કિસ્સા પણ સામે આવ્યા છે. આ ચૂંટણીમાં ક્યાંક કિન્નરોએ જીત હાંસલ કરી છે, તો ક્યાંક Gen Zએ બાજી મારી છે, તો વળી કોઈએ 1 અથવા 2 વોટથી જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. કેટલાક વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ મોટા પક્ષોના ઉમેદવારોને હરાવીને ચોંકાવ્યા છે તો ક્યાંક જીતના બીજા જ દિવસે શોકનો માહોલ છવાઈ ગયો છે.આ સિવાય અનેક કારણોસર આ ચૂંટણી ઘણી રસપ્રદ રહી છે. આવો જાણીએ આ ચૂંટણી પાછળના કેટલાક ખાસ કિસ્સા…

 

‘બુઆજી’ની જીત, કિન્નરોમાં આનંદો

 

લાલસોટના વોર્ડ નંબર 34માં ભાજપની ટિકિટ પર મીનુ કિન્નર નામની વ્યક્તિએ જીત મેળવી છે. સ્થાનિક લોકોમાં ‘બુઆજી’ના નામે જાણીતા મીનુએ શરૂઆતમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ મંત્રીના એક નિવેદન બાદ તેમની ચૂંટણી વધુ ચર્ચામાં આવી હતી. અંતે મીનુએ જીત મેળવીને નગરપાલિકા રાજકારણમાં કિન્નર સમુદાયની મજબૂત હાજરી નોંધાવી છે.

 

માત્ર 2 વોટથી મળી જીત

 

લૂણકરણસરના વોર્ડ નંબર 22નું પરિણામ પણ ખૂબ રસપ્રદ રહ્યું હતું. અહીં કોંગ્રેસના પૂજા બાઈ કિન્નરે ભાજપના બૃજલાલ પુરીને માત્ર 2 વોટથી હરાવ્યા હતા. આ મુકાબલાની સૌથી ખાસ વાત એ રહી કે સમગ્ર નગરપાલિકામાં માત્ર 2 ટ્રાન્સજેન્ડર મતદારો હોવાનું જણાવવામાં આવ્યું છે અને બંને વોર્ડ નંબર 26માં રહે છે. એટલે કે પૂજા બાઈની જીત માત્ર 2 વોટના અંતરથી થઈ, પરંતુ તેનો સંદેશ સમગ્ર વિસ્તારમાં મોટો રહ્યો હતો.

 

1 વોટથી કિસ્મત પલટાઈ, પણ બીજા જ દિવસે તૂટી પડ્યો દુઃખનો પહાડ

 

નદબઈના વોર્ડ નંબર 6માં જે મુકાબલો થયો એ ખૂબ જ ટક્કરવાળો અને દુઃખદ રહ્યો હતો. અહીં માત્ર 1 વોટે આખું પરિણામ બદલી નાખ્યું હતું. અપક્ષ જગદીશ પ્રસાદને 151 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના રામશરણને 150 વોટ મળ્યા હતા, પરંતુ આ જીત સાથે જોડાયેલી કહાનીએ તેને વધુ ભાવુક બનાવી દીધી છે. મતદાનના બીજા જ દિવસે જગદીશ પ્રસાદની માતાનું નિધન થઈ ગયું. આવી સ્થિતિમાં માતાના અંતિમ વોટથી મળેલી જીતની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે.

 

ક્યાંક ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો

 

ડીડવાના-કુચામન અને શ્રીડુંગરગઢ સહિત અનેક જગ્યાએ પણ ચૂંટણીના પરિણામો ઘણા ચોંકાવનારા આવ્યા છે. કેટલાક ઉમેદવારોને માત્ર 1-1 વોટ મળ્યો છે. એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જ્યાં ઉમેદવારને પોતે અથવા પોતાના પરિવાર તરફથી અપેક્ષા મુજબ પણ વોટ નથી મળ્યા.

 

ભાજપ 20 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, પરંતુ 65માંથી 36 વોર્ડ અપક્ષ ઉમેદવારોના

 

ભરતપુર, ડીગ અને ધૌલપુર વિભાગમાં પણ પરિણામોએ સ્થાનિક સમીકરણોની તાકાત બતાવી દીધી છે. ત્રણેય જિલ્લાની 20 નગરપાલિકાઓના 645 વોર્ડમાં ભાજપને 194, કોંગ્રેસને 117 અને અન્ય ઉમેદવારોને 333 બેઠકો મળી છે. તેમાં 331 અપક્ષ ઉમેદવારો વિજેતા રહ્યા હતા. ભરતપુર નગર નિગમમાં ભાજપ 20 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ 65માંથી 36 વોર્ડ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગયા છે. આવી સ્થિતિમાં બોર્ડની રચનામાં અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.

 

નગરપાલિકા ચૂંટણીમાં Gen-Zએ મારી બાજી

 

હવે નજર કરીએ એ બેઠક પર જે શબ્દ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જી હા, જે Gen-Zએ બાંગ્લાદેશમાં સત્તાપલટો કરાવ્યો, એક મંત્રીનું રાજીનામું લેવડાવ્યું આજે એ જ Gen Zએ રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં પણ ફેરબદલ કરી છે. આ ચૂંટણીમાં યુવા ચહેરાએ બાજી મારી છે. થાનાગાજીના વોર્ડ નંબર 6માં ભાજપની 21 વર્ષીય નેહા શર્માએ 101 વોટથી જીત મેળવી છે. નેહાને કુલ 262 વોટ મળ્યા હતા. બીજી તરફ અજમેરના વોર્ડ 80માં ભાજપની 21 વર્ષીય કાશ્યપી સાંખલાએ શાનદાર જીત મેળવી છે. કાશ્યપીને 3,323 વોટ મળ્યા અને તેમણે 1,275 વોટના મોટા અંતરથી ચૂંટણી જીતી છે. ખાસ વાત એ છે કે BTechની વિદ્યાર્થિની કાશ્યપીની આ પ્રથમ ચૂંટણી હતી. બંને યુવા ચહેરાઓની જીતે નગરપાલિકા રાજકારણમાં નવી પેઢીના આગમનને વધુ મજબૂત બનાવ્યું છે.

 

આ પરિણામોએ શું મેસેજ આપ્યો?

 

રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ એક મોટો મેસેજ આપ્યો છે. આ ચૂંટણીના અલગ અલગ પરિણામોને એકસાથે જોવામાં આવે તો તસવીર સ્પષ્ટ છે. લોકોએ માત્ર પાર્ટીનું ચિન્હ જોઈને વોટ નથી આપ્યો, પરંતુ વોર્ડમાં ઉમેદવારની વ્યક્તિગત પકડ, સ્થાનિક મુદ્દાઓ, સામાજિક સમીકરણ અને મતદારો સાથેનું જોડાણ અનેક જગ્યાએ પરિણામોની દિશા બદલી શકે છે. ક્યાંક કિન્નર ઉમેદવારની જીતે નવી મિસાલ કાયમ કરી છે, ક્યાંક 2 વોટે ઇતિહાસ લખ્યો અને ક્યાંક માત્ર 1 વોટે હાર-જીતનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે આ વખતની નગરપાલિકા ચૂંટણી માત્ર ભાજપ-કોંગ્રેસની જીત-હાર માટે નહીં, પરંતુ વોર્ડ સ્તરની નાની-નાની કહાનીઓ અને મોટા ચૂંટણી ઉલટફેર માટે પણ યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *