અમરેલી પોલીસે એક જાણીતી એપ્લિકેશન દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફેલાયેલા ૬૩૫ કરોડના મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને તેના મુખ્ય બે સૂત્રધારોની ઓડિશાથી અટકાયત કરી છે. એપ્લિકેશન મારફતે રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને લોકો પાસેથી નાણાં મેળવવાના આ કેસમાં અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.પોલીસે ઓડિશામાંથી મુખ્ય બંને સૂત્રધારો ધવલ પટેલ અને હિરેન શાહની કાર સાથે અટકાયત કરી છે. બંને આરોપીઓને વિમાનમાર્ગે ૧૫ સપ્ટેમ્બરે અમરેલી સાઇબર ક્રાઇમ ખાતે લાવી પૂછપરછ હાથ ધરાશે. આરોપીઓએ SD Pay એપ્લિકેશન બનાવીને તેને પ્લે સ્ટોર પર મૂકી હતી.
એપ્લિકેશનના ૧૦ લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સ મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ નેટવર્ક સાથે જોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એપમાં બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ અને રેફરલ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ ખાતાઓ છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન ખોલવામાં આવ્યા હતા અને આરોપીઓનો કોઈ કાયદેસર વ્યવસાય ન હોવા છતાં તેમાં આશરે ૬૩૫ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
