ભાવનગરના આધેડને ફેસબુક ફ્રેન્ડ ભરખી ગઈ! મિત્ર બન્યા પછી સાળંગપુર ફરવા ગયા, પણ વળતા એવો કાંડ થઈ ગયો કે 3.05 લાખનો ધુમ્બો લાગી ગયો

Spread the love

 

 

મળતી માહિતી મુજબ, ગેંગની એક મહિલા સભ્યએ ફેસબુક મારફતે આધેડ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આધેડ અને મહિલા સાળંગપુર ખાતે દર્શન કરવા ગયા હતા.દર્શન કરીને પરત ફરતી વખતે અગાઉથી કરાયેલા પ્લાન મુજબ કાળા રંગની કારમાં આવેલા ચાર શખ્સોએ બંનેને રસ્તામાં રોક્યા હતા.

 

આ શખ્સોએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી તરીકે આપી હતી. આધેડને ડ્રગ્સ અને ગાંજાના કેસમાં સંડોવાયેલા હોવાની તેમજ છોકરીને ભગાડી લઈ જવાના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, મહિલા સાગરીતને કારમાં બેસાડી આધેડનું એન્કાઉન્ટર કરવાની પણ ધમકી આપી હતી.

 

ત્યારબાદ ગેંગે આધેડ પાસેથી 7થી 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આધેડે વ્યવસ્થા કરીને 3.05 લાખ રૂપિયા આરોપીઓને આપ્યા હતા. રૂપિયા મેળવી લીધા બાદ આરોપીઓ આધેડને છોડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

 

સમગ્ર મામલે ભાવનગર LCBએ કાર્યવાહી કરીને ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા અને રાજેશ ભીખાભાઈ કાથરોટીયાની અટકાયત કરી છે. જ્યારે મહિલા વિલાસબેન બીપીનભાઈ પુરાણી, રમેશ ઉર્ફે કાનો સાગરકા અને નિકુંજ સોલંકીને ઝડપી પાડવાના બાકી છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઘનશ્યામ અને રાજેશ વિરુદ્ધ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અગાઉથી પણ ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *