રાજ્યમાં વધુ એક ફાયરબ્રિગેડનો અધિકારી લાંચ લેતા ACBની ઝપટે ચડી ગયો. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. NOC રિન્યુ કરી આપવાના બદલામાં લાંચની માગણી કરવામાં આવી’તી.
દોઢ મહિના પહેલા જ અમદાવાદ મનપાના ચીફ ફાયર ઓફિસર રૂ. 36 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફાયર બ્રિગેડના સાત અધિકારી એસીબીની ઝપટે ચડી ચૂક્યા છે.
ફાયર NOCના રિન્યુઅલ બદલ રૂપિયા 20 હજારની લાંચ માગી
ફાયર NOC મેળવવા માટે ફરિયાદીએ ગાંધીનગર ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલનો સંપર્ક કર્યો. NOCના બદલામાં ઓફિસરે રૂપિયા 20 હજારની લાંચની માગણી કરી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા અને તેમણે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવતા એસીબીએ ટ્રેપ ગોઠવી.
આ આયોજન મુજબ,સેક્ટર- 17સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ લાંચની રકમનું લેવડ-દેવડ નક્કી થયું.આક્ષેપિત રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20 હજારની લાંચની રકમ પોતાની ચેમ્બરમાં સ્વીકારતા જ એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા.
2022માં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસનો અધિકારી લાંચ લેતા ઝડપાયો’તો
એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2022 માં એક હાઇ-પ્રોફાઇલ ટ્રેપ સફળ બનાવી હતી. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલી રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે આવેલી અંતરીક્ષ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા માટે પ્લાન મંજૂર કરવા અને પ્રી-એન.ઓ.સી મેળવવા અર્થે કરવામાં આવેલી અરજીના બદલામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર એવા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા મહેશ રવિદાન મોડ પણ એસીબીના હાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના અંદરના વર્તુળોમાં ચાલતા ગણગણાટ મુજબ આ કેસમાં પણ એક મોટો સંયોગ સામે આવ્યો છે. ચર્ચા છે કે વર્ષ 2022માં જે જાગૃત ફરિયાદીએ ભ્રષ્ટ અધિકારી મહેશ મોડને એસીબીની ઝાળમાં ફસાવ્યા હતા.સંભવતઃ તે જ ફરીયાદીએ આ વખતે ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર રાજેશ પટેલને પણ કાયદાના સકંજામાં ઊભા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
