મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત

Spread the love

મહીસાગર, ખેડા અને સુરતમાં સર્જાયેલા અલગ-અલગ ગમખ્વાર અકસ્માતોમાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે, તો ખેડાના નડિયાદમાં નોકરી પર જઈ રહેલા યુવકનું એસટી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સિવાય સુરતના સચીન GIDC વિસ્તારમાં પૂરઝડપે આવતી અલ્કાઝાર કારે ટેમ્પોને ટક્કર મારતાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.

કડાણાના ભુખી ગામે કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે મહિલાઓના મોત

 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કેળામૂળથી માલવણ તરફ જતા માર્ગ ઉપર ભુખી ગામે રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર એક પુરુષ ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે બાઈક ઉપર સવાર અન્ય બે મહિલાઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ મામલે કારચાલક વિરુદ્ધ કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદમાં એસટી બસની ટક્કરે બાઈકસવાર યુવકનું મોત

 

ખેડા જિલ્લાના નડિયાદ ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ નીચે બાઈક સવાર આવી જતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ નડિયાદના હેમીલ પંડ્યા તરીકે થઈ છે, જેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. હેમીલ પંડ્યા નડિયાદમાં આવેલ મારુતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઈઝર તરીકે કામ કરતો હતો અને બાઈક લઈ અને નોકરીએ જતો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત સર્જાયા બાદ તુરંત જ એસટી ડ્રાઇવર અને કંડકટર બસ મૂકી ફરાર થઈ ગયા હતા. આ એસટી બસ નડિયાદથી ચકલાસી અને વિદ્યાનગર થઈ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત: સચીન GIDCમાં પૂરઝડપે આવતી અલ્કાઝાર કારે ટેમ્પોને મારી ટક્કર, 3 ઈજાગ્રસ્ત

 

સુરતના સચીન GIDCના હોજીવાલા રોડ નં. 11 પર બોરાના કંપની પાસે ચાર રસ્તા નજીક પૂરઝડપે આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હતી. ફરિયાદ મુજબ, GJ-05-RM-7362 નંબરની સફેદ Hyundai Alcazar કારના અજાણ્યા ચાલકે પૂરઝડપે આવી ગફલતભરી રીતે કાર હંકારી લાવી GJ-05-CW-6834 નંબરના Super Carry ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર અર્જુન નામના યુવકને માથા સહિત શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે ફરિયાદી પ્રદીપ ભરવાડ તથા તેમના મિત્ર વિપુલને સામાન્ય મુંઢ ઈજાઓ પહોંચી હતી. ટક્કરના પગલે ટેમ્પોને પણ ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *