મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આદિવાસી સમુદાયના ૩૦ થી વધુ માસૂમ બાળકોના મોતનો ગંભીર મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો મુજબ, આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બાળકોમાં ગંભીર બીમારીઓ, કુપોષણ અને યોગ્ય આરોગ્ય સુવિધાઓના અભાવને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.આ જ સંવેદનશીલ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી મોહન યાદવ પર તીખા પ્રહારો કર્યા છે.
બાલાઘાટમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારીનો આરોપ
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને રાજ્ય સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે બાલાઘાટ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં બીમારી, કુપોષણ અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે ૩૦ થી વધુ આદિવાસી બાળકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સમયસર યોગ્ય પગલાં લેવામાં ન આવતા અને બેદરકારી દાખવવામાં આવતા પરિસ્થિતિ વધુ વણસી છે. તેમણે મુખ્યમંત્રી મોહન યાદવને આડે હાથ લેતા કહ્યું કે સરકારે પ્રચાર કરવાને બદલે રાજ્યની જમીની હકીકત પર ધ્યાન આપવું જોઈએ.
